પાવર સ્ટેશનમાં હેલ્પર તરીકે ભરતી વહેલી તકે પૂર્ણ કરવા માંગ
ત્રણ વર્ષ અને ચાર મહિના ઉપરનો સમય થઈ ગયો છે, પણ અમને યોગ્ય જવાબ મળતો નથી : એપ્રેન્ટીસો

( પ્રતિનિધિ )વડોદરા,તા.11
ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડના ભૂતપૂર્વ એપ્રેન્ટિસોએ ફરી એક વખત ભરતી પ્રક્રિયાને લઈને વડોદરાની વિદ્યુત ભવન કચેરી બહાર ધરણા પ્રદર્શન કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો. સરકારના વિવિધ પાવર સ્ટેશનમાં એપ્રેન્ટીસોની હેલ્પર તરીકે ભરતી વહેલી તકે પૂર્ણ કરવા માંગણી કરી હતી.

વિદ્યુત સહાયક હેલ્પર ભરતી માટે જાહેરાત બહાર પાડ્યા બાદ તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી હતી. જોકે આ એપ્રેન્ટીસોની હજી સુધી ભરતી કરવામાં આવી નથી. એપ્રેન્ટીસો દ્વારા વડી કચેરી વડોદરામાં અનેક વખત રજૂઆત કરી છે તેમજ ઉર્જા મંત્રી અને અગ્ર સચિવને પણ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. ત્રણ વર્ષથી પત્ર દ્વારા રજૂઆતો કરી છે. પરંતુ આજ દિન સુધી કોઈ યોગ્ય નિરાકરણ કરવામાં આવ્યું નથી. ત્યારે, ફરી એક વખત એપ્રેન્ટીસોએ વડોદરા ખાતે રેસકોસ વિદ્યુત ભુવન બહાર ધરણા પ્રદર્શન કરી જો ગુજરાત સરકાર આ ભરતી કરવા તેમજ બેરોજગારોને રોજગારી આપવા સક્ષમ ન હોય તો ભરતીનો પરિપત્ર રદ કરે, 5500 જેટલા ભૂતપૂર્વ બેરોજગાર એપ્રેન્ટીસોને ન્યાય આપે અને વિવિધ પાવર સ્ટેશનમાં ભૂતપૂર્વ એપ્રેન્ટીસોની હેલ્પર તરીકે ભરતી વહેલી તકે પૂર્ણ કરે જો તેમ કરવામાં નહીં આવે તો આ આંદોલન ચાલુ રહેશે તેવી ચીમકી એપ્રેન્ટીસોએ ઉચ્ચારી હતી. ભૂતપૂર્વ એપ્રેન્ટીસ મુકેશભાઈ ખલાસીએ જણાવ્યું હતું કે, અમારે ભરતી બાબતે માંગણી છે અને આંદોલન પર ઉતર્યા છે. અમને શાંતિપૂર્વક જવાબ મળતો નથી. અમને એમ કહે છે કે, કોર્ટ મેટર ચાલે છે, અમે ગાંધીનગર ઉર્જા મંત્રીને પણ મળીને આવ્યા છે, પણ અમને ગોળ ગોળ ફેરવવામાં આવી રહ્યા છે. આજે ત્રણ વર્ષ અને ચાર મહિના ઉપરનો સમય થઈ ગયો છે, પણ અમને યોગ્ય જવાબ મળતો નથી. આજે ખૂણે ખૂણેથી ભાડા ખર્ચીને બધા આવી રહ્યા છે. ભવદીપ સિંધાએ જણાવ્યું હતું કે, અમારી જે ભરતી પ્રક્રિયા છે. એ વહેલી તકે પૂર્ણ કરે અમે છેલ્લા 2022 ની અંદર જાહેરાત પાડેલી છે કે, એપ્રેન્ટીસ કરેલા ઉમેદવારો છે તેમને 800 જગ્યા ખાલી પડી હતી તેને ભરવા માટેની હતી. એની માટે ફોર્મ ભર્યા હતા વેરિફિકેશન પણ થઈ ગયું છે. ત્રણ વર્ષ વીતી ગયા ત્યાં સુધી અમને સ્પષ્ટતા મળી નથી. ત્યારબાદ અમે આંદોલન કર્યું મુલાકાત કરી રજૂઆત કરી કામ થઈ જશે. દસ દિવસનો સમય આપ્યો અમે રાહ પણ જોઈ હતી. ત્યાં સુધી કોઈ નિકાલ નહીં આવતા ફરી પાછું આંદોલન કર્યું હતું તે વખતે પણ અમને ગોળ ગોળ ફેરવી આશ્વાસન આપી કાઢી મુકવામાં આવે છે. ગાંધીનગરમાં પણ મળ્યા ઉર્જા મંત્રી નું કહેવું એમ છે કે, અમારે ત્યાંથી તમારી ભરતીના તમામ જે પણ કાર્યવાહી છે. એ કરી દીધી છે, તમે તમારી જે પણ આગળની પ્રક્રિયા છે તે તમારી લાગતી વળગતી કચેરીએ થશે. એટલે અમને બંને બાજુથી ગોળ ગોળ ફેરવવામાં આવી રહ્યા છે. સંતોષકારક જવાબ મળતો નથી. અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે અમારું આંદોલન ચાલુ રાખીશું.