મંદિરને વિવિધ ફૂલોથી શણગારવામાં આવ્યું
સવારથી જ રાજકીય અને શ્રધ્ધાળુઓએ મોટી સંખ્યામાં મંદિર ખાતે દર્શન પૂજન કર્યા

(પ્રતિનિધિ) વડોદરા તા.17
શહેરમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ પર્વ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શહેરના ગોત્રી હરિનગર ચારરસ્તા નજીક આવેલા ઇસ્કોન મંદિર ખાતે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ રાત્રે દર્શન કર્યા હતા.


પવિત્ર શ્રાવણ માસના વદ આઠમ ને શનિવારે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ પર્વ જન્માષ્ટમીની દેશ દુનિયામાં શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વડોદરા શહેરમાં પણ જન્માષ્ટમી પર્વે શહેરના વિવિધ મંદિરોમાં જેમાં રામજી મંદિર, રણછોડજી મંદિર, વૈષ્ણવ મંદિરોમાં તથા નાના મોટા મંદિરોમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી શ્રધ્ધાભેર કરવામાં આવી હતી ત્યારે શહેરના ગોત્રી – હરિનગર ચારરસ્તા નજીક આવેલા ઇસ્કોન મંદિર ખાતે છેલ્લા 44 વર્ષોથી ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે શનિવારે શ્રાવણ વદ આઠમ ને જન્માષ્ટમી પર્વ નિમિત્તે ઇસ્કોન મંદિરને વિવિધ ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું હતું વહેલી સવારથી જ શ્રધ્ધાળુઓએ અહીં દર્શન કર્યા હતા. રાત્રે 12 કલાકે અહીં ‘નંદ ઘેર આનંદ ભયો,જય કનૈયા લાલ કી…’ તથા ‘હરે..રા..મા..હરે..કૃષ્ણા’ ના નાદ અને કિર્તન સાથે જ ભગવાન શ્રી કૃષ્ણ અને શાલિગ્રામ સ્વરપે લાલજીને દૂધથી, દહીં,મધ, પંચામૃત,કેસર, પંચદ્રવ્યો તથા વિવિધ પવિત્ર નદીઓના જળ,શુધ્ધ જળથી અભિષેક સ્નાન સાથે જન્મોત્સવને મનાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં રાજકીય , ધાર્મિક, સામાજિક અગ્રણીઓ ઉપરાંત શ્રદ્ધાળુઓ અહીં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યાં હતાં. ભજન કિર્તનના ભક્તિસભર વાતાવરણમાં શ્રધ્ધાળુઓએ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ ના દર્શન કર્યાં હતાં મંદિર પ્રશાસન દ્વારા શ્રધ્ધાળુઓને પંજીરી,માખણ મિશ્રીની પ્રસાદી,ફળોની પ્રસાદી આપવામાં આવી હતી. બીજા દિવસે રવિવારે સવારે સાત વાગ્યાથી નંદોત્સવ નિમિત્તે ભગવાન ને પારણાં ઉત્સવ નિમિત્તે શ્રધ્ધાળુઓએ ભગવાન ને હિંડોળા કરી ધન્યતા અનુભવી હતી. ઇસ્કોન મંદિર પ્રસાશન દ્વારા શ્રધ્ધાળુઓ માટે નંદોત્સવ નિમિત્તે રવિવારે સાંજે ઇસ્કોન મંદિર ખાતે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.