વડોદરામાં રખડતા ઢોરે વધુ એક 9 વર્ષના બાળકનો ભોગ લીધો
પાલિકાની ઢોર પાર્ટી દ્વારા રખડતા ઢોરોને પકડતા હોવાના બણગા પોકળ નીકળ્યાં, હજુ પણ રખડતા ઢોરોનો ત્રાસ યથાવત
હનુમાન જયંતિએ રિક્ષા ચાલક પિતા પોતાના પુત્રને લઇ આજવા રોડ પર ભંડારમાં જમવા માટે ગયાં હતા.
પ્રતિનિધિ વડોદરા તા.13
વડોદરા મહાનગર પાલિકાની ઢોર પાર્ટી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોરને પકડવામાં આવતા હોવાના બણગા ફુકવામાં આવે છે. પરંતુ રખડતા ઢોરોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આજવા રોડ પર ભંડારામાં રખડતી ગાય ધસી આવી હતી અને જમવાના કાઉન્ટરે સાથે અથડાતા કાઉન્ટર પાસે પિતા સાથે જમવા બેઠેલા 9 વર્ષના બાળક પર કાઉન્ટર પડ્યું હતું. જેમાં બાળકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
વડોદરા શહેરમાં પાલિકાની ઢોર પાર્ટી દ્વારા વિવિધ વિસ્તારમાંથી ઢોર પકડવાના નામે માત્ર દેખાડો કરીને કામગીરી બતાવામાં આવે છે. કારણ કે જો પાલિકા દ્વારા ઢોર પકડવામાં આવતા હોય તો પછી શહેરમાંથી કેમ રખડતા પશુઓનો ત્રાસ આછો થવાનું નામ લેતા નથી ? રખડતા ઢોરોના કારણે ઘણા રાહદારીઓ અને વાહન ચાલકોના મોત થયા હોવાના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. ત્યારે વધુ એક રખડતા ઢોરના કારણે 9 વર્ષ ના બાળકનું મોત નિપજ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એવી વિગત છે કે 12 એપ્રિલના રોજ હનુમાન જયંતી હોય આજવા રોડ પર તળાવ પાસે મંદિરે ભંડારાનું આયોજન કરાયું હતું. જેથી રીક્ષા ચાલક પિતા અને તેમનો 9 વર્ષનો પુત્ર ભંડારાનો પ્રસાદ લેવા માટે ગયા હતા અને ત્યાં જમવાના કાઉન્ટર પાસે પિતા અને પુત્ર બેસીને જમી રહ્યા હતા. તે દરમિયાન એક રખડતી ગાય દોડીને ધસી આવી હતી અને જમવાના કાઉન્ટર પાસે ધડાકાભેર અથડાઈ હતી. જેના કારણે કાઉન્ટર ઉછળીને પાછળ જમવા બેઠેલા 9 વર્ષના બાળકના માથાના વાગ્યું હતું. જેના કારણે બાળકને માથામાં ગંભીર ઇજા પહોચતા તેને સારવાર માટે વાઘોડિયા રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં સારવાર દરમિયાન બાળકનું મોત નિપજ્યું હતુ.. પુત્રના મોતના પગલે રિક્ષા ચાલક પિતા તથા માતા સહિતના પરિવારના સભ્યોમાં શોકની લાગણી વ્યાપી ગઇ હતી.
