કમાટીબાગ ઝૂમાં નવો ફુટ ઓવર બ્રીજ બનાવવા 14.62 કરોડનો ખર્ચ કરાશે
SVNITના રિપોર્ટ મુજબ હયાત બ્રીજ અનસેફ હોવા છતાં સ્થાયીએ કામ મંજૂર કર્યું નહીં, હવે ફરી દરખાસ્ત રજૂ કરાઈ
વડોદરા મહાનગરપાલિકા દ્વારા કમાટીબાગ પ્રાણીસંગ્રહાલયમાં પક્ષી ઘરથી લાયન-ટાઈગર એન્ક્લોઝર તરફ આવેલ જુના બ્રીજની સમાંતરે નવો ફુટ ઓવર બ્રીજ બનાવવા માટેની કામગીરી માટે અંદાજ રૂ. 11.64 કરોડ (18% GST સહ) તૈયાર કરાયો હતો. સલાહકાર ફર્મ મે. કસાડ કન્સલ્ટન્ટ પ્રા. લિ. દ્વારા તૈયાર કરાયેલા આ અંદાજને 29 જુલાઈ 2024ના રોજ મંજુરી મળેલી. કાર્યની સમય મર્યાદા 12 મહિના (ચોમાસા સિવાય) નક્કી કરાઈ છે. ઇ-ટેન્ડર પ્રક્રિયા અંતર્ગત બે ઇજારદારો — (1) મે. રાજકમલ બિલ્ડર્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા. લિ. અને (2) મે. શ્રી મંગલમ બિલ્ડકોન પ્રા. લિ. એ ટેન્ડર રજૂ કર્યા હતા. રાજકમલ બિલ્ડર્સે રૂ. 14.92 કરોડનો અને શ્રી મંગલમે રૂ. 15.12 કરોડનો દર રજૂ કર્યો હતો, જે અનુક્રમે અંદાજીત રકમ કરતાં 35% અને 36.83% વધુ હતા. રાજકમલ બિલ્ડર્સ સૌથી ઓછો દર (L1) આપનાર હોવાથી, પાલિકાએ વારંવાર ભાવ ઘટાડા માટે વાતચીત કરી. અનેક તબક્કે ચર્ચા બાદ ઇજારદારે કુલ 2% નો ઘટાડો સ્વીકાર્યો. અંતે તેમની ટેન્ડર રકમ રૂ. 14,62,61,785/- (18% GST સહ) થઈ, જે અંદાજિત રકમ કરતાં 32.30% વધુ છે.
ટેન્ડર કમીટી દ્વારા 26 સપ્ટેમ્બર 2024ના રોજ આ દરખાસ્તને મંજુરી આપવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ સ્થાયી સમિતિએ 22 નવેમ્બર 2024ના ઠરાવ અંક-340 દ્વારા કામ કમિશનર તરફ પરત મોકલવાનું નક્કી કર્યું હતું. આ પછી પાલિકાએ હયાત બ્રીજની તકનીકી સ્થિતિ જાણવા માટે M/s SVNIT, સુરત (Sardar Vallabhbhai National Institute of Technology) ને Inspection સોંપ્યું. SVNITએ 6 જાન્યુઆરી 2025ના રોજ રિપોર્ટ આપ્યો, જેમાં સ્પષ્ટ જણાવાયું કે જુનો બ્રીજ સ્ટ્રકચર્લી અનસેફ છે, તેનો કોઈ રીપેરીંગ સ્કોપ નથી અને જાહેર સુરક્ષા માટે તેને તરત ઉતારી લેવો જરૂરી છે. આ આધારે હાલ જુનો બ્રીજ સદંતર બંધ કરી દેવાયો છે. ઝૂ ક્યુરેટર દ્વારા જણાવાયું છે કે હાલ સહેલાણીઓ, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગજનોને એક કિલોમીટરથી વધુ અંતર ચાલવું પડે છે, જેના કારણે ઉનાળાની રજાઓમાં મુલાકાતીઓની સંખ્યામાં ઘટાડો થવાની સંભાવના છે, તેમજ ઝૂની આવક પર પણ અસર પડશે. પ્રાણીઓને ખોરાક પહોંચાડવામાં પણ મુશ્કેલી થાય છે. રીક્રીએશનલ અને કલ્ચરલ સમિતિ અધ્યક્ષે પણ નવીન બ્રીજ બનાવવાની ભલામણ કરી છે. હાલ ઇજારદારની ટેન્ડર વેલિડિટી 31 મે 2025 સુધી લંબાવવામાં આવી છે. આ પ્રોજેક્ટનો સમાવેશ રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (2023-24) હેઠળની આગવી ઓળખ ગ્રાન્ટમાં કરવામાં આવ્યો છે. બ્રિજ સ્ટ્રકચર્લી અનસેફ હોવાનું સામે આવ્યું હોવા છતાં જૂન મહિનામાં સ્થાયી સમિતિએ દરખાસ્ત મુલતવી રાખી હતી, પરંતુ હવે ફરીથી મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે.