મુજપુર ગંભીરા બ્રિજ ખૂબ જર્જરીત હાલતમાં 2022થી હતો
તાત્કાલિક ધોરણે સ્થળ ઈન્કવાઈરી તથા ટેસ્ટ રિપોર્ટની માંગ તો ચાર વર્ષ પહેલા થઈ હતી
વડોદરા પાદરા તાલુકાના મૂળપુર ગામના ડાંગા ટેકરા માં રહેતા અને જિલ્લા પંચાયતના સદસ્ય હર્ષદસિંહ ચંદુભાઈ પરમારે ચાર વર્ષ પહેલા વડોદરાના કલેક્ટર અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર (આર એન્ડ બી) ડિવિઝનને બિસ્માર બની ચુકેલા બ્રિજ વિશે લેખિતમાં જાણ કરી હતી.મુજપુર ગંભીરા બ્રિજ અત્યંત ગંભીર હાલતમાં ખૂબ જર્જરીત છે જેથી તાત્કાલિક ધોરણે સ્થળ ઈન્કવાઈરી ટેસ્ટ રિપોર્ટ જાહેર કરવાની માગ કરી હતી, પરંતુ તંત્રે કોઈ ધ્યાન આપ્યું જ નહીં અને બ્રિજ તૂટી પડતા 9 નિર્દોષ લોકોના જીવ ગયા છે.

પરમારે જે તે સમયે રજૂઆત કરતા પત્રો લખ્યા હતા , જેમા જણાવવામાં આવ્યું હતું કે પાદરા આણંદને જોડતો મુખ્ય માર્ગ પરનો મુજપુર બ્રિજ અત્યંત ગંભીર અને ભયજનક પરિસ્થિતિમાં છે.. બ્રિજના પીલરો તદ્દન જર્જરીત થઈ ગયા છે.અત્યંત ભયજનક રીતે એ બ્રિજ ઉપરથી જ્યારે ભારદારી વાહનો પસાર થવાથી ધ્રુજારી આવી રહી છે અને એની જે સરફેસ છે એ સતત ખરાબ થતી રહે છે. વારંવાર રીપેર કર્યા છતાં પણ એની પરિસ્થિતિ જાય છે.

આ સ્થિતિનું વર્ણન કરી પરમારે તંત્રને વિનંતી કરી હતી કે બ્રીજ સ્વરે જોખમી જાહેર કરી બંધ કરવામાં આવે અને નવો બ્રિજ બનાવવા માટેની તજવીજ શરૂ કરવામાં આવે. આ બ્રિજ પરથી જાહેર જનતાને જવા આવવાનું જોખમ રહેલું છે એ જોખમ દૂર કરવામાં આવે. ભવિષ્યમાં આ બ્રિજના કારણે જો કોઈ જાનહાની થશે તો એની સંપૂર્ણ જવાબદારી તમામ સત્તાધીશોની રહેશે.

તેમણે એવી ચેતવણી પણ આપી હતી કે બ્રિજનું સમારકામ અથવા એને યોગ્ય કરવાની જવાબદારી ટૂંક સમયમાં જાહેર નહીં કરવામાં આવે તો અમારે યુવા સેના ગુજરાત દ્વારા નાછૂટકે આ બ્રિજ ઉપર જલદ આંદોલનના મંડાણ કરવા પડશે અને આ તમામ બાબતની જવાબદારી સંબંધિત સત્તાધીશોની રહેશે. તેના તમામ પુરાવા સરકારી તંત્ર પાસે હતા તેવું લેખિતમાં જણાવ્યું હતું છતાં પણ કોઈ પગલા ના લેવાતા આજે અનેક નિર્દોષો કમોતે મરી જેના જવાબદાર માત્રને માત્ર સરકાર જ છે .
પ્રાપ્ત થતી માહિતી મુજબ બ્રિજનો સ્ટ્રકચરલ સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવા છતાં કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહોતું.