World

બ્રિક્સે પણ પહેલગામ હુમલાની નિંદા કરી: પીએમ મોદીએ કહ્યું- હુમલો માત્ર ભારત નહીં, સમગ્ર માનવતા પર છે

રવિવારે બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં યોજાયેલી 17મી બ્રિક્સ સમિટ દરમિયાન જૂથના સભ્ય દેશોએ એકમતથી પહેલગામ આતંકી હુમલાની કડક નિંદા કરી. 31 પાના અને 126 મુદ્દાઓથી ભરેલા સંયુક્ત ઘોષણાપત્રમાં તેઓએ ઈરાન પર થયેલા ઇઝરાયલના હુમલાની પણ ટીકા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમમાં આતંકવાદ વિરુદ્ધ કડક નિવેદન આપ્યું અને નવી વૈશ્વિક વ્યવસ્થાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો.

પીએમ મોદીનું નિવેદન:
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, “પહેલગામમાં થયો આતંકી હુમલો માત્ર ભારત પર નહીં પરંતુ સમગ્ર માનવતા પર હુમલો છે. આતંકવાદની નિંદા માટે પસંદગી નહીં, સિદ્ધાંત હોવો જોઈએ.” તેમણે વૈશ્વિક સંસ્થાઓને પણ નવા યુગ માટે અપડેટ કરવાની જરૂરિયાત પર પ્રકાશ ફેંક્યો.

તેમણે ઉદાહરણ આપતાં કહ્યું કે, “20મી સદીના ટાઇપરાઇટર 21મી સદીનું સોફ્ટવેર ચલાવી શકતું નથી. ત્યારે કેમ 80 વર્ષ જૂની વૈશ્વિક સંસ્થાઓ આજે પણ યથાવત છે?”


મોદીના સંબોધનના મહત્વપૂર્ણ મુદ્દાઓ:

1. બ્રિક્સની તાકાત તેની વિવિધતા:
પીએમ મોદીએ કહ્યું કે બ્રિક્સ દેશોની અલગ વિચારસરણી અને બહુધ્રુવીય વિશ્વમાં તેમનો વિશ્વાસ તેમની સૌથી મોટી તાકાત છે.

    2. NDBનું સમજદારીથી રોકાણ:
    ન્યૂ ડેવલપમેન્ટ બેંક ફક્ત એવા પ્રોજેક્ટ્સમાં રોકાણ કરે જે લાંબા ગાળે ફાયદાકારક હોય અને વિશ્વસનીયતા જાળવે.

    3. વિજ્ઞાન-સંશોધન માટે બ્રિક્સ પ્લેટફોર્મ:
    પીએમ મોદીએ બ્રિક્સ સંશોધન કેન્દ્ર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો જ્યાં બધા દેશો વિજ્ઞાન અને ટેકનોલોજી પર સાથે મળીને કામ કરી શકે.

    4. સંસાધનોના દુરુપયોગ વિરુદ્ધ ચેતવણી:
    મોદીએ કહ્યું કે કોઈપણ દેશને કોઈપણ સંસાધનનો ઉપયોગ ફક્ત પોતાના ફાયદા માટે અથવા હથિયાર તરીકે કરવાનો અધિકાર નથી.

    5. ડિજિટલ માહિતી પર નિયંત્રણ:
    તેમણે કહ્યું કે આપણે એવી સિસ્ટમ બનાવવી જોઈએ જે આપણને જણાવે કે કોઈપણ ડિજિટલ માહિતી સાચી છે કે નહીં, તે ક્યાંથી આવી છે અને તેનો દુરુપયોગ ન થવો જોઈએ.

    6. ભારતમાં એઆઈ ઇમ્પેક્ટ સમિટ:
    આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના પડકારો અને લાભોને ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં ભારત એક AI પરિષદનું આયોજન કરશે.

    ટ્રમ્પની ધમકી:
    બીજી તરફ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું કે, “જો કોઈપણ દેશ બ્રિક્સ સાથે જોડાશે તો તેના પર અમે વધારાનો 10% ટેરિફ લાદીશું. આ પૈકી કોઈને પણ છોડ આપવામાં નહીં આવે.” ટ્રમ્પના આ નિવેદનને દુનિયાભરમાં મળતી બ્રિક્સ સમર્થન પ્રવૃત્તિ સામે કાઉન્ટર પગલાં તરીકે જોવામાં આવી રહ્યું છે.

    QUAD સમિટે પણ પહેલગામ હુમલાની નિંદા કરી હતી:
    ઉલ્લેખનીય છે કે, આ અગાઉ તા.1 જુલાઈએ QUAD (ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા) ની વિદેશ મંત્રીઓની બેઠકમાં પણ પહેલગામ હુમલાની નિંદા કરવામાં આવી હતી.

    Most Popular

    To Top