Vadodara

બ્રહ્માકુમારીઝ અટલાદરા ખાતે વિભાગીય ટ્રેનિંગ મીટીંગ: ૧૦૦ પોલીસ કર્મચારીઓએ માનસિક સશક્તિકરણનો સંદેશ મેળવ્યો

વડોદરાના બ્રહ્માકુમારીઝ અટલાદરા સેવા કેન્દ્ર ખાતે એસીપી અશોક કાટકરના નેતૃત્વ હેઠળ અટલાદરા, જેપી નગર, ગોત્રી અને અકોટા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિત આશરે ૧૦૦ પોલીસ કર્મચારીઓ માટે વિભાગીય ટ્રેનિંગ મીટીંગ યોજાઈ હતી. આ મીટીંગમાં જેપી નગરના એચ.એન. બારિયા, સેકન્ડ પીઆઈએન.જે. સોહાગિયા, અકોટાના ડી.વી. બલદાનિયા, ગોત્રીના એચ.બી. ચાવડા અને અટલાદરાના વી.આર. રાઠોડ હાજર રહ્યા હતા.
પ્રારંભે સેવા કેન્દ્રના સહ-નિર્દેશક બી.કે. પૂનમ દીદીએ કાટકર સાહેબ તથા તમામ પોલીસ અધિકારીઓનું તિલક, દિવ્ય સ્મૃતિચિહ્ન અને પ્રસાદ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કર્યું. તેમણે ભવિષ્યમાં સેવા કેન્દ્ર ખાતે રાજયોગ તાલીમ કાર્યક્રમો યોજવા માટે આમંત્રણ આપ્યું તેમજ વ્યક્તિગત અને પારિવારિક સ્તરે રાજયોગ શીખવા પ્રેરણા આપી.
મંચ પરથી પોતાના વિચારો વ્યક્ત કરતાં એસીપી અશોક કાટકર જણાવ્યું કે સેવા કેન્દ્રમાં પ્રવેશતાં જ અહીંનું આધ્યાત્મિક વાતાવરણ આંતરિક શાંતિ અને સકારાત્મક ઊર્જાનો અનુભવ કરાવે છે, જેના કારણે મીટીંગ માટે આ સ્થાન પસંદ કરવામાં આવ્યું હતું. તેમની આ વાત સાથે હાજર તમામ પોલીસ કર્મચારીઓ આનંદ વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન પોલીસ કર્મચારીઓએ રાજયોગ આધારિત આધ્યાત્મિક ટેલિફિલ્મ નિહાળી. બ્રહ્મકુમાર વિપિનભાઈએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે વર્તમાન સમયમાં પોલીસ સેવા દરમિયાન આવતા તણાવ અને પડકારોને પાર કરવા માટે માનસિક સંતુલન જાળવવું અત્યંત આવશ્યક છે. યોગ અને આધ્યાત્મિકતાના અનુસરણ દ્વારા વ્યક્તિમાં સકારાત્મકતા, શાંતિ અને મજબૂતી વિકસે છે, જેના કારણે વ્યક્તિ વ્યક્તિગત અને પારિવારિક જીવન વચ્ચે સંતુલન જાળવી શકે છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે માનસિક વિકૃતિઓ આજના સમયમાં ગુનાહિત પ્રવૃત્તિઓનું મુખ્ય કારણ બની રહી છે, તેથી જવાબદાર પદ પર રહેલા અધિકારીઓ માટે શાંત અને મજબૂત માનસિક સ્થિતિ વિકસાવવી અત્યંત જરૂરી બની છે.
કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિતોએ આનંદ અને શાંતિના માહોલમાં પરમાત્મ પ્રસાદનો સ્વીકાર કરી પ્રસ્થાન કર્યું.

Most Popular

To Top