
વડોદરા | અટલાદરા
બ્રહ્માકુમારીઝ અટલાદરા સેવા કેન્દ્ર ખાતે નાતાલ પર્વની અનોખી અને આધ્યાત્મિક ઉજવણી કરવામાં આવી. નાતાલના દિવસે સવારના ભાગમાં ક્રિસમસ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ક્રિસમસ ટ્રીને સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ક્રિસમસ ટ્રીના આધ્યાત્મિક અર્થને સરળ ભાષામાં સમજાવવામાં આવ્યો. શ્રીમદ ભગવદ ગીતા મુજબ માનવ સૃષ્ટિને કલ્પવૃક્ષ તરીકે દર્શાવવામાં આવી છે, તેની યાદગાર રૂપે વૃક્ષને સમજાવવામાં આવ્યું. વૃક્ષ પર સજાવવામાં આવેલા તારાઓને જ્યોતિ બિંદુ આત્માનું પ્રતીક ગણાવી, આત્મા કેવી રીતે શરીર ધારણ કરી માનવ રૂપે સૃષ્ટિરૂપી રંગમંચ પર પોતાનું કર્તવ્ય નિભાવે છે તે સમજાવવામાં આવ્યું.
સાન્તાક્લોઝના પાત્રને પ્રતીકાત્મક રીતે પરમાત્માના કર્તવ્ય સાથે જોડવામાં આવ્યું. નાતાલના દિવસે બાળકોને ભેટ આપતા સાન્તાક્લોઝ એ વાતનું ચિત્રણ કરે છે કે વર્તમાન સમયમાં પરમાત્મા સૃષ્ટિ પર અવતરિત થઈ દૈવી સંસ્કૃતિની સ્થાપના કરે છે. આ દૈવી સંસ્કૃતિને ભારતની દેવ સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે, જેને સ્વર્ગ, સતયુગ, વૈકુંઠ, જન્નત અથવા હેવિન જેવા નામોથી ઓળખવામાં આવે છે.
આ દૈવી સંસ્કૃતિની સ્થાપનામાં પરમાત્મા પ્રજાપિતા બ્રહ્માને નિમિત બનાવે છે અને તેમના માધ્યમથી સમગ્ર વિશ્વને સુખ, શાંતિ અને સમૃદ્ધિનો ઉપહાર આપે છે. આ કારણે જ સૃષ્ટિના આદિ પિતા બ્રહ્માને વિવિધ સંસ્કૃતિઓમાં અલગ-અલગ પ્રતીકાત્મક નામોથી ઓળખવામાં આવે છે. ક્રિસમસ આપણને એ જ સંદેશ આપે છે કે આત્મા અને પરમાત્માના દિવ્ય કર્તવ્યને સમજી જીવનને સુખ-શાંતિથી સમૃદ્ધ બનાવવું જોઈએ.
સાંજના સમયે અંદાજે ૧૫૦ જેટલા નાના બાળકો માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં નાતાલનો આધ્યાત્મિક અર્થ તથા યોગનું મહત્વ બાળકોને સરળ અને રસપ્રદ ભાષામાં સમજાવવામાં આવ્યું. આત્માના આંતરિક ગુણો અને લાક્ષણિકતાઓ સમજાવતાં સાથે બાળકોને યોગાભ્યાસ પણ કરાવવામાં આવ્યો તથા મૂલ્યઆધારિત રમતો રમાડવામાં આવી.
કાર્યક્રમ દરમિયાન બાળકો દ્વારા વિવિધ કલાત્મક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી. અંતે તમામ બાળકોને પ્રસાદ રૂપે નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે સેવા કેન્દ્રના ઇન્ચાર્જ બી.કે. ડો. અરુણા દીદી તથા સહનિર્દેશક બી.કે. પૂનમ દીદીએ સૌને નાતાલની શુભેચ્છાઓ પાઠવી અને દરેક તહેવારને તેના આધ્યાત્મિક અર્થ સાથે ઉજવવાની સકારાત્મક પ્રેરણા આપી.