Vadodara

બોર્ડ પરીક્ષા દરમિયાન વડોદરામાં મેન્ટેનન્સનાં કામો અટકાવવા વિપક્ષની માંગ

વિદ્યાર્થીઓને થતી તકલીફ અને ટ્રાફિકની સમસ્યા સામે વિરોધ પક્ષે કમિશનરને રજૂઆત કરી

વડોદરા શહેરમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ ટૂંક સમયમાં શરૂ થવાની છે, પરંતુ શહેરમાં ચાલતા મેન્ટેનન્સના વિવિધ કામોના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. શહેરમાં જ્યાં જોઈએ ત્યાં ડ્રેનેજ લાઈન, પાણીની લાઈન અને અન્ય કામોની ખોદકામ ચાલી રહ્યો છે, જેના કારણે રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ જોવા મળે છે. વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા જીવનનું એક મહત્વપૂર્ણ તબક્કો હોય છે. આવા સમયે, જો તેઓ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મોડું કરે અથવા મુશ્કેલીઓનો સામનો કરે, તો તે તેમના ભવિષ્ય પર નકારાત્મક અસર કરી શકે છે.

આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈ વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા દ્વારા વડોદરા મ્યુનિસિપલ કમિશનરને નિવેદન કરવામાં આવ્યું છે. તેમણે માંગણી કરી છે કે બોર્ડની પરીક્ષાઓ ચાલે ત્યાં સુધી શહેરમાં ચાલતા તમામ મેન્ટેનન્સના કામો મોડી સાંજે અથવા રાત્રિના સમયમાં કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓને કોઈ સમસ્યા ન થાય. વિપક્ષે સ્પષ્ટ કર્યું છે કે બોર્ડની પરીક્ષા માત્ર એક સત્તાવાર પરીક્ષા નથી, પરંતુ તે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સીધું જોડાયેલું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જવાબદારી છે કે, પરીક્ષા દરમિયાન જે કોઇ પણ કામગીરી વિદ્યાર્થીઓના અભ્યાસ અને પરીક્ષા પર વિઘ્ન ઉભું કરે, તે તાત્કાલિક બંધ કરવામાં આવે.

શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ ખોદીને મેન્ટેનન્સનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે વાહન વ્યવહાર અસ્તવ્યસ્ત છે. ઠેર ઠેર ખાડાઓ અને અર્ધપૂર્ણ કામોને કારણે ટ્રાફિક સમસ્યાઓ સર્જાઈ છે. આ સમસ્યા વિદ્યાર્થીઓ માટે વધુ કઠિન બની શકે છે, કારણ કે તેમના માટે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવું એક પડકારરૂપ બની શકે છે. વિપક્ષ દ્વારા કમિશનરને સ્પષ્ટ સૂચન કરવામાં આવ્યું છે કે પરીક્ષા દરમિયાન આવા તમામ મેન્ટેનન્સના કામો તાત્કાલિક બંધ કરાવવાં જોઈએ અને જો આવું શક્ય ન હોય, તો માત્ર મોડી રાત્રિના કલાકોમાં આ કામો કરવામાં આવે. આ પગલાં દ્વારા વિદ્યાર્થીઓને રાહત મળશે તેવું વિપક્ષનું માનવું છે.

Most Popular

To Top