Vadodara

બોર્ડની પરીક્ષા અન્વયે પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં સંકલનની બેઠક મળી

( પ્રતિનિધિ )વડોદરા,તા.17

સીબીએસઈ અને ગુજરાત બોર્ડની પરીક્ષાઓને લઈને વડોદરા શહેર પોલીસ વિભાગ પણ સજ્જ બન્યું છે. શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની અધ્યક્ષતામાં પોલીસ ભુવન ખાતે સંકલનની બેઠક મળી હતી. જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી શાળાના સંચાલક પ્રિન્સિપાલ અને આગેવાનો હાજર રહ્યા હતા.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસઈની પરીક્ષાઓનો પ્રારંભ થઈ ગયો છે. જ્યારે આગામી 26 ફેબ્રુઆરીથી ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થશે. મંગળવારે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની અધ્યક્ષતામાં પોલીસ ભુવન ખાતે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અધિક પોલીસ કમિશનર ડો.લીના પાટીલ, નાયબ પોલીસ કમિશનરો, મદદનીશ પોલીસ કમિશનરો તથા જિલ્લા શિક્ષણ અધિકારી વડોદરા શહેર તેમજ શાળાના સંચાલકો પ્રિન્સિપાલો અને આગેવાનો હાજર રહ્યા હતા. આ બેઠકમાં આગામી સમય દરમિયાન વડોદરા શહેરના કુલ 188 પરીક્ષા કેન્દ્રો ખાતે આ પરીક્ષા હોય સમગ્ર પરીક્ષા પ્રક્રિયા સલામત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે વિવિધ સૂચનાઓ આપવામાં આવી હતી. શાળા સંચાલકો, શાળાના શિક્ષકો, સિક્યુરિટી તથા વર્કિંગ સ્ટાફ વિદ્યાર્થીઓને વાલીઓ સાથે જરૂરી સંકલન કરવા અને શાળામાં જરૂરી સુરક્ષા વ્યવસ્થા બાબતે સૂચનો કર્યા હતા. તદ ઉપરાંત જિલ્લા શિક્ષણ વિભાગ અને વડોદરા શહેર પોલીસની સાથે સતત સંકલનમાં રહીને પરીક્ષાના સુરક્ષિત અને સુચારું આયોજન માટે જરૂરી સૂચનાઓ આપી હતી.

Most Popular

To Top