( પ્રતિનિધી )વડોદરા,તા.9
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરી દેવામાં આવ્યું છે. જોકે, આ વખતે પરીક્ષાના પેપરોમાં રજાઓની થતી ભરમારથી વિદ્યાર્થીઓને ખાસ વિષયોની તૈયારી માટે પૂરતો સમય મળી શકશે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આગામી બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ વખતે પરીક્ષાઓ 26 ફેબ્રુઆરીથી શરૂ થઈ 16 માર્ચ દરમિયાન લેવાશે. જોકે ધો.10ની પરીક્ષાનું પ્રથમ પેપર ગુજરાતી લેવાયા બાદ એક દિવસ રજા, 28 ફેબ્રુઆરીએ વિજ્ઞાનનું પેપર બાદ સીધું 4 માર્ચે સામાજિક વિજ્ઞાનનું પેપર જેની તૈયારી માટે 6 દિવસ વચ્ચે ગેપ મળશે.ત્યાર બાદ 6 માર્ચે બેઝિક ગણિત અને 9 માર્ચે સ્ટાન્ડર્ડ ગણિત જેની માટે પણ 2 દિવસ રાહત મળશે. જ્યારે 11 માર્ચે અંગ્રેજી વિષયની પરીક્ષા બાદ એક દિવસની રજા અને 13મી માર્ચે ગુજરાતી દ્વિતીય ભાષાનું પેપર લેવાશે. 14 માર્ચે હેલ્થકેર,આઈટી ( સ્કિલ વિષયો ) અને 16 માર્ચે હિન્દી, સિંધી, સંસ્કૃત, ઉર્દુ ( દ્વિતીય ભાષા )નું પેપર લેવાશે. તેવી જ રીતે ધોરણ 12 સામાન્ય પ્રવાહની અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના પેપરમાં પણ મુખ્ય વિષયોના પેપરો માટે કેટલીક રજા હોવાથી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વધુ સમય મળશે.