Charotar

બોરસદમાં દીકરી જન્મતા પરિણીતાને ત્રાસ આપી દસ લાખ દહેજ માંગ્યું

બોરસદ શહેર પોલીસે સાત સાસરિયા સામે ગુનો નોંધ્યો

(પ્રતિનિધિ) બોરસદ તા.28

બોરસદની પરિણીતાને ખટનાલ ગામમાં રહેતા તેના સાસરિયાએ ત્રાસ આપ્યો હોવાની ફરિયાદ નોંધાઇ હતી. પરિણીતાને પુત્રી જન્મતા સાસરિયાનું વર્તન બદલાઇ ગયું હતું અને દહેજ પેટે રૂ.10 લાખ લાવવાનું કહી પિયર કાઢી મુક્યાં હતાં. આ અંગે પરિણીતાએ બોરસદ પોલીસ મથકે સાત સાસરિયા સામે ફરિયાદ આપી હતી.

બોરસદના આરાધના સોસાયટીમાં રહેતા ઉષાબહેન પરસોત્તમભાઈ મકવાણાના લગ્ન છઠ્ઠી મે, 2011ના રોજ કિરણ મોતીભાઈ અમરાવત (રહે. ખટનાલ, ખંભાત) સાથે થયાં હતાં. આ લગ્ન બાદ પતિ – પત્ની વડોદરા રહેતા હતાં. આ લગ્ન જીવનમાં તેમને ગર્ભ રહેતાં કોઇ કારણસર ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો. બાદમાં ફરી ગર્ભ રહેતા દિકરી પાયસનો જન્મ થયો હતો. જોકે, દિકરીન્ જન્મ બાદ સાસરિયાનું વર્તન બદલાઇ ગયું હતું. ઉષાબહેનને મ્હેણાં ટોણાં મારીને દિકરો જોઈ તો હતો તે પથરાને જન્મ આપ્યો છે. તેમ કહી શારીરિક – માનસિક ત્રાસ આપવા લાગ્યાં હતાં. તેમાંય સાસરિયાએ દિકરીના જન્મ વખતે સીઝર કરાવવાનો ખર્ચ થયેલો તે પણ ઉષાબહેનના પિયરિયા માંગ્યાં હતાં.

આ ઉપરાંત અમારા મોભા પ્રમાણેનું દહેજ આપ્યું નથી. જેથી તારા માતા – પિતા પાસેથી રૂ. દસ લાખ રોકડા લઇ આવ અમારે નવુ મકાન રાખવું છે તેમ કહી ત્રાસ આપવા લાગ્યાં હતાં. આ ઉપરાંત પતિ દીકરીનું કોઇ પણ જાતની જરૂરિયાતો પુરી કરતા નહતા તેમજ ઘર ચલાવવા માટે પુરતા પૈસા પણ આપતા નહતાં. વડોદરા રહેતા હતા તે દરમિયાન તારે ગામડે જવું પડશે. જોકે, આ વાતનો વિરોધ કરતાં 18મી માર્ચ,18ના રોજ પતિ અચાનક જ સર સામાન ભરી વડોદરાથી ખટનાલ આવી ગયો હતો. આથી, ઉષાબહેન અને તેમની દિકરીને લઇ પિયર આવતાં રહ્યાં હતાં. આ અંગે સમાધાનના અનેક પ્રયત્ન કરવા છતાં કોઇ દાદ આપી નહતી. આખરે ઉષાબહેને આ અંગે ભરણ પોષણની અરજી પણ દાખલ કરી હતી. આથી, ભરણ પોષણની રકમ ભરવી ન પડે એટલા માટે સાસરિયાએ છુટાછેડા આપી દેવા દબાણ કર્યું હતું. તેમાંય પતિ કિરણે ફોન કરી દવા પી મરી જવાની ધમકી આપી હતી.

આ ઉપરાંત 31મી માર્ચ,2024ના રોજ સમાજના આગેવાનો દ્વારા પંચો રૂબરૂ સમાધાન માટે ભેગા થયા ત્યારે પણ પતિએ અપશબ્દ બોલી જાહેરમાં અપમાન કર્યું હતું. આથી, કોઇ નિર્ણય આવ્યો નહતો. આખરે આ અંગે ઉષાબહેને બોરસદ શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે કિરણ અમરાવત (પતિ), મોતીભાઈ મહીજીભાઈ (સસરા), અમરબહેન મોતીભાઈ (સાસુ), જીગ્નેશ મોતીભાઈ (જેઠ), વંદનાબહેન જીગ્નેશ (જેઠાણી), રમીલાબહેન નગીનભાઈ (નણંદ) અને નગીન ગણેશભાઈ (નણંદોય) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top