પાલિકાની ગંભીર બેદરકારીને કારણે શહેરભરમાં ઠેર ઠેર ગંદકી, કચરાના ઢગલા
બોરસદ શહેરમાં છેલ્લા એક પખવાડિયાથી ઝાડા -ઉલ્ટીના રોગચાળાની સ્થિતિ જોવા મળી રહી છે .શહેરના રાજા મહોલ્લા,વણકર વાસ,વાવડી મહોલ્લા,400 મકાન,ભોભાફળી સહીતના વિસ્તારોમાં ઘેર ઘેર માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. ઝાડા ઉલ્ટીના રોગચાળાને લઇ શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલો અને ક્લિનીકો દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે.શહેરમા ગંભીર રોગચાળાની સ્થિતિ છતાં પાલિકા તંત્ર નિંદ્રાધીન જણાઈ રહ્યું છે.શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગ અને પાણીનું કલોરીનેશન પણ કરવામાં આવતું નથી.જેને લઇ રોગચાળો વધુ વકરે તેવી ભીતિ સેવાઈ રહી છે.
બોરસદમાં વિતેલા બે દિવસમાં 25થી વધુ ઝાડા ઉલ્ટીના કેસ સામે આવ્યા છે. જોકે ઝાડા -ઉલ્ટીના કેસ સામે આવતા જ આરોગ્ય વિભાગ તાત્કાલિક સર્વે હાથ ધર્યું હતું.અને રોગચાળાને કાબુમાં લેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.પરંતુ નગરપાલિકાનુ રેઢિયાળ તંત્ર બેફિકરાઈ રાખી રહ્યું છે.
પાલિકા તરફથી હજુ સુધી ઝાડા ઉલટીની પરિસ્થિતિ સંદર્ભે કોઈ કામગીરી કરવામાં આવી નથી. રોગચાળા બાદ પણ પાલિકા દ્વારા શહેરમાં સફાઈ મુદ્દે લાપરવાહી રાખવામાં આવી રહી છે. શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગ ખડકાયેલા જોવા મળી રહ્યા છે.તેમજ કેટલીક જગ્યાએ પીવાના પાણીમાં દુષિત પાણી આવતું હોવાની ફરિયાદો હોવા છતાં પાલિકા દ્વારા હજુ સુંધી આ મામલે પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી.જેને લઇ રોગચાળો વધુ વકરે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે.