નીટ પાસ ન કરી શકેલા વિદ્યાર્થીએ હોમીયોપેથીકમાં પ્રવેશ મેળવવા જતાં નાણા ગુમાવ્યાં
ચાર વર્ષ પહેલા થયેલી છેતરપિંડી અંગે પોલીસે ગુનો નોંધ્યો
(પ્રતિનિધિ) બોરસદ તા.19
બોરસદના નાની શેરડી ગામના રબારીવાસમાં રહેતા ગઠિયાએ એક વિદ્યાર્થીને બરોડા હોમીયોપેથીક કોલેજમાં પ્રવેશ અપાવવાના બહાને તેની પાસેથી રૂ.13.97 લાખની છેતરપિંડી કરી હતી. ચાર વર્ષ પહેલા બનાવ અંગે બોરસદ શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો.
બોરસદના સો ફુટ રોડ પર આવેલા દીપ દર્શન બંગલોમાં રહેતા દીપકુમાર શંકરભાઈ જાદવ નડિયાદ મહાગુજરાત હોસ્પિટલમાં એમએલટીનો અભ્યાસ કરે છે. જ્યારે તેમના પિતા શંકરભાઈ જાદવ બોરસદની આર.પી. અનાડા કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. દીપકુમારે 2014ના વર્ષમાં બોરસદની વઘવાલા મુકામે આવેલી સરસ્વતી શિશુકુંજ વિદ્યાલયમાં ધો.10માં અભ્યાસ કરતો હતો તે વખતે તેને સાથે અભ્યાસ કરતાં શ્રેય ગોવિંદ દેસાઇ (રબારી) સાથે મિત્રતા થઇ હતી. જોકે, ધો.12 પાસ કર્યા બાદ વર્ષ 2017માં રશિયા ખાતે દીપકુમારે એમબીબીએસ અભ્યાસ કર્યો હતો. જ્યાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તે 2019માં પરત આવી ગયો હતો. દીપે 2020ના વર્ષમાં બીએસસીના પહેલા વર્ષમાં પ્રવેશ મેળવ્યો હતો. આ ગાળામાં તેના મિત્ર હિરેન દેસાઇ (રબારી) (રહે. ગાડા, તા. સોજિત્રા)ના લગ્ન હોવાથી દીપ અન્ય મિત્રો સાથે ગાડા ગયો હતો. જ્યાં તેને શ્રેય દેસાઇ સાથે મુલાકાત થઇ હતી. આ સમયે વાતચીતમાં શ્રેયે જણાવ્યું હતું કે, નીટ ક્લીયર કરી ન હોય તો પણ બરોડા હોમીયોપેથીક કોલેજમાં ડોનેશન અને પાંચ વર્ષના કોર્ષ પેટેની તમામ ફી ભરીને તારુ એડમીશન થઇ જશે. તેમ જણાવ્યું હતું. આથી, દીપે માતાને પિતાને વિશ્વાસમાં લઇ શ્રેયને ઘરે બોલાવ્યો હતો. જ્યાં વાતચીતમાં શ્રેય દેસાઇએ જણાવ્યું હતું કે, ડોનેશન અને તમામ વર્ષની ફી મળી કુલ રૂ.15 લાખથી 16 લાખ જેટલો ખર્ચ થશે.
આથી, તેઓએ શ્રેયની વાત પર વિશ્વાસ મુકી 6ઠ્ઠી નવેમ્બર,2020ના રોજ ઓનલાઇન અરજી કરી હતી. બાદમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા માટે જીઇએમઆરેસ કોલેજ ગયાં હતાં. તે પછી શ્રેયના કહેવા મુજબ અલગ અલગ તારીખે કુલ રૂ.13.97 લાખ જેવી રકમ આપી હતી. જોકે, દીપને હોમીયોપેથીક કોલેજમાં પ્રવેશ મળ્યો નહતો. આ અંગે તપાસ કરતાં શ્રેય દેસાઇએ ફી પેટેની રકમ કોલેજમાં જમા કરાવી નહતી. આ અંગે શ્રેયની પુછપરછ કરતાં તેણે એનરોલમેન્ટ નંબર બતાવ્યો હતો. જે ખોટો હોવાનું ખુલતાં દીપ અને તેના પરિવારજનો ચોંકી ગયાં હતાં. તેમની સાથે છેતરપિંડી થઇ હોવાનું લાગ્યું હતું. આ અંગે અવાર નવાર રૂબરૂ મળી શ્રેયને નાણા પરત કરવા જણાવ્યું હતું. પરંતુ તેણે વાયદા જ કરતો હતો. આખરે આ અંગે દીપકુમાર જાદવે બોરસદ શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.