રાજ્ય સરકાર દ્વારા શાળાઓને સ્વેટરના રંગ બાબતે નિયમો લાગુ ન કરવા પરિપત્રનું ઉલ્લંઘન
વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે મનમાની અને દાદાગીરી કરતી હનીફા શાળાની કડકપણે કાર્યવાહી હાથ ધરવા માંગ
(પ્રતિનિધિ) આણંદ તા.3
રાજ્ય સરકાર દ્રારા વિદ્યાર્થીઓને ચોક્ક્સ રંગના સ્વેટર પહેરવા શાળા ફરજ પાડી શકે નહીં તે માટે આણંદ જીલ્લા સહિત દરેક જીલ્લામાં શાળાઓને પરિપત્ર પાઠવી સુચના આપવામાં આવી છે. છતા પણ બોરસદની હનીફા ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ દ્રારા વિદ્યાર્થીઓને કાળા રંગનુ વી શેપનુ સ્વેટર પહેરવા ફરજિયાત આદેશ આપતો પરિપત્ર વાલીઓને આપતા ચકચાર મચી જવા પામી છે.
બોરસદની હનિફા ઇંગ્લિશ મીડીયમ સ્કૂલના આચાર્યા દ્વારા વાલીઓને એક સરકયુલર મોકલીને શિયાળા દરમિયાન વિદ્યાર્થીઓએ કાળા રંગનાં વી શેપનું સ્વેટર ફરજીયાત પહેરવા જણાવ્યું છે,તેમજ આ કાળા રંગનાં સ્વેટર પર કોઈ લોગો,ડીઝાઈન કે રંગીન પટ્ટી નહી હોવી જોઈએ તેમજ ગરમ સ્કા્ફ,મફલર,ટોપી અને મોજા પણ કાળા કલરનાં હોવા જોઈએ તેમજ કોઈ પણ રંગનાં જેકેટ પહેરી શકાશે નહી,તેમજ વાલીઓને આ દિશા નિર્દેશનું પાલન કરવા જણાવ્યું છે,શાળાનાં આચાર્ય હરીન્દર ધીલ્લોનની સહીથી આ સરકયુલર વાલીઓને મોકલવામાં આવ્યો છે.
હનિફા શાળાનાં વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓએ માત્ર કાળા કલરનાં સ્વેટરને પહેરી શકાય છે,તેમજ અન્ય રંગનાં સ્વેટર એલાઉડ નથી.એક તરફ રાજય સરકાર દ્વારા તેમજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા દરેક શાળાઓને સરકયુલર કરી શિયાળા દરમિયાન વિદ્યાર્થીઓને ચોક્કસ રંગનાં સ્વેટર પહેરવા શાળા દબાણ કરી શકશે નહી તેમજ કોઈ પણ રંગનાં સ્વેટર વિદ્યાર્થીઓ પહેરી શકશે તેમ જણાવ્યું છે.
જયારે બીજી તરફ હનીફા શાળામાં ફરજીયાત પણ માત્ર કાળા રંગના જ ગરમ વસ્ત્રો પહેરીને જ આવવા તાકીદ કરવામાં આવી છે. આ વિવાદિત ફરમાનને પગલે વિધાર્થીઓ અને વાલીઓમાં ભારે આક્રોશ ભભૂક્યો છે.
કેટલીક શાળાઓ રાજય સરકારનાં પરિપત્રનું ઉલ્લંધન કરી પોતાની મનમાની કરી વાલીઓ અને વિદ્યાર્થીઓ પર પોતાની દાદાગીરી ચલાવી રહ્યા છે,ત્યારે રાજય સરકારે આવી શાળાઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી રાજયમાં દાખલો બેસાડવો જોઈએ તેવી લાગણી વાલીઓમાં જોવા મળી રહી છે.
માત્ર કાળા રંગનાં સ્વેટર પહેરવાનો આદેશ આપતો સરકયુલર વાલીઓને મોકલ્યો
બોરસદની હનિફા સ્કુલનાં આચાર્યા હરિન્દર ધીલ્લોન રાજય સરકારનાં શિક્ષણ વિભાગનાં આદેશને ધોળીને પી ગયા હોય તેમ છેડેચોક તેઓએ માત્ર કાળા રંગનાં સ્વેટર પહેરાવનો આદેશ આપતો સરકયુલર વાલીઓને મોકલ્યો છે,ત્યારે રાજય સરકારે જારી કરેલા દિશા નિર્દેશ શુ હનિફા સ્કુલને લાગુ પડતા નથી ? કે પછી હનિફા સ્કુલનાં આચાર્ય પોતાની મનમાની કરી વિદ્યાર્થીઓ અને વાલીઓ પર પોતાની દાદાગીરી ચલાવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે,.
કસુરવાર લાગશે તો શિક્ષાત્મક કાર્યવાહી કરાશે: જીલ્લા શિક્ષણ અધિકારી
આણંદનાં જિલ્લા શિક્ષણાધિકારી ડૉ.કામિની ત્રિવેદીએ જણાવ્યું હતું કે હનિફા સ્કુલમાં આ પરિપત્રની તપાસ કરવામાં આવશે અને કસુરવાર લાગશે તો નોટીસ આપી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે,ત્યારે રાજય સરકારની સુચના અને આદેશ તેમજ પરિપત્રનો સરેઆમ ઉલ્લંધન કરીને વિદ્યાર્થીઓએ માત્ર કાળા રંગનું સ્વેટર પહેરવા દબાણ કરનાર શાળાનાં આચાર્ય સામે રાજય સરકાર શુ કાર્યવાહી કરે છે,તેનાં પર વાલીઓની નજર રહેલી છે,
સ્વેટર અંગે પરિપત્ર અમે કર્યો છે.: આચાર્યા હનીફા સ્કુલ
હનિફા સ્કુલનાં આચાર્ય હરિન્દર ધીલ્લોન સમક્ષ કાળા રંગનાં સ્વેટર પહેરવા કરાયેલા ફરજીયાત પરિપત્ર અંગે પુછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે મારે આ અંગે કોઈ વાત કરવાની જરૂર નથી અને સ્વેટર અંગે પરિપત્ર કર્યો હોવા અંગે કહ્યું હતું કે હા અમે આ પરિપત્ર કર્યો છે.