લોન ધારકો પાસેથી રીકવરીના આવેલા નાણા બારોબાર વાપરી નાંખ્યા
(પ્રતિનિધિ) બોરસદ તા.30
બોરસદમાં આવેલી મુથુટ માઇક્રોફીન લીમીટેડ ફાયનાન્સ કંપનીના કર્મચારીએ લોન ધારકો પાસેથી મળેલા રૂ.1.41 લાખ બારોબાર વાપરી નાંખ્યાં હતાં. આ અંગે તેની સામે બોરસદ શહેર પોલીસે ગુનો નોંધ્યો હતો.
બોરસદની આણંદ ચોકડી પર આવેલા કલ્પ કોમ્પ્લેક્સમાં મુથુટ માઇક્રોફીન લીમીટેડ નામની ફાયનાન્સ કંપનીની શાખા આવેલી છે. આ શાખામાં બ્રાન્ચ મેનેજર તરીકે અશ્વિન ભુપતભાઈ વાઘેલા (રહે. ચકલાસી), એરીયા મેનેજર તરીકે મૌલિક મુકુંદભાઈ પટેલ (રહે. પીપળોઇ), ડિવિઝનલ મેનેજર રાજેશ રમણભાઈ ચૌહાણ (રહે. મોદજ), અક્ષય સોમાભાઈ ભોઇ (રહે. ઇસરામા, તા. પેટલાદ) સહિતના કર્મચારી ફરજ બજાવે છે. જેમાં અક્ષયને મહિલાઓના ગ્રુપ બનાવી જરૂરિયાતમંદ બહેનોને લોન અપાવાની તથા લોનના નાણા રીકવર કરી શાખામાં જમા કરાવવાની જવાબદારી સોંપી હતી. દરમિયાનમાં રીઝનલ મેનેજર તૈયબખાન શેખના ધ્યાને આવ્યું હતું કે, બોરસદની બ્રાંચમાં 39 મહિલાના 1લી જાન્યુઆરી,23થી 31મી ઓક્ટોબર, 23 દરમિયાન રૂ.16.26 લાખની લોન આપવામાં આવી છે. જે પૈકી 90,193 રીકવર કરી બ્રાંચમાં જમા કરાવ્યાં નથી. આથી, બોરસદ બ્રાન્ચ મેનેજરને મેઇલ કરી તપાસ કરવા સુચના આપી હતી. આ તપાસમાં ફિલ્ડ ઓફિસર તરીકે અક્ષય સોમાભાઈ ભોઇએ આ રકમ લોન ધારકો મહિલા પાસેથી રીકવર કરી છે અને તે નાણા બ્રાંચમાં જમા કરાવ્યાં ન હોવાનું ખુલ્યું હતું. આથી, અક્ષયના ઘરે તપાસ કરતાં તે ઘરે મળી આવ્યો નહતો. આ સંદર્ભે ઓડિટ કરતાં અક્ષયે કુલ 48 મહિલાના રૂ.1,41,763ની ઉચાપત કરી હોવાનું ખુલ્યું હતું. આ અંગે તૈયબખાન શેખની ફરિયાદ આધારે બોરસદ શહેર પોલીસે અક્ષય સોમા ભોઇ (રહે. ઇસરામા, પેટલાદ) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.