મારામારી અને જુગાર જેવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા શખ્સોને આણંદ સહિત પાંચ જિલ્લાઓમાંથી બહાર ખસેડાયા
(પ્રતિનિધિ) આણંદ તા.13
આણંદ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ દ્વારા હાથ ધરાયેલી ઝુંબેશ અંતર્ગત બોરસદ રૂરલ પોલીસે છેલ્લા ત્રણ વર્ષથી ગુનાખોરીમાં સંકળાયેલા બે ઇસમોને ત્રણ માસ માટે તડીપાર કર્યા છે. પોલીસ મહાનિરીક્ષક અમદાવાદની સૂચનાઓના આધારે, સમાજને સતાવતા તત્વો સામે પાસા અને તડીપારની કાર્યવાહીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ અંગે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ બોરસદની કોર્ટના હુકમ અનુસાર, નાપા તળપદના રહેવાસી મહંમદ હુસૈન ઉર્ફે ભાણાભાઇ જાફરઅલી સૈયદ અને સિકંદર ઉર્ફે ઘોડો ફકરૂદ્દીન કાઝીને તડીપાર કરવામાં આવ્યા છે. આ બંને શખ્સો છેલ્લા ત્રણ વર્ષથી મારામારી, ધાકધમકી અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય હતા. આ આદેશ મુજબ, બંને આરોપીઓને આણંદ જિલ્લા ઉપરાંત ખેડા, વડોદરા શહેર, વડોદરા ગ્રામ્ય, અમદાવાદ શહેર અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાંથી ત્રણ મહિના માટે દૂર રહેવું પડશે. બોરસદ રૂરલ પોલીસે આ અંગેની દરખાસ્ત તૈયાર કરી મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી હતી, જેના આધારે આ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.