અંકલેશ્વરનો સપ્લાયર વોન્ટેડ, પશુઓ અને ટ્રક મળી રૂ. 10 લાખનો મુદ્દામાલ જપ્ત
પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના કાર્યકરોએ ગેરકાયદે પશુઓની હેરાફેરી અટકાવી
વડોદરા:
વડોદરા શહેર નજીક નેશનલ હાઇવે પર આવેલા જામ્બુઆ બ્રિજ પાસે કતલખાને લઈ જવાતા 15 પશુઓને કપુરાઈ પોલીસે બચાવી લીધા છે. પોલીસે આ મામલે ટ્રકના ડ્રાઇવર અને ક્લીનરની ધરપકડ કરી છે, જ્યારે પશુઓ ભરી આપનાર અંકલેશ્વરના એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે. બોરસદ થી પશુઓ ભરીને મહારાષ્ટ્રના માલેગાવના કતલખાને લઈ જવાના હતા. ત્યારે પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના કાર્યકરોએ જામ્બુઆ બ્રિજ પાસે જ ટેમ્પો પકડ્યો હતો. પશુઓને દરજીપુરા પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.
કપુરાઈ પોલીસ સ્ટેશનના કર્મચારી રાજેશ લખનરાવ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે પોલીસ કન્ટ્રોલ રૂમ તરફથી જામ્બુઆ બ્રિજ નજીક એક શંકાસ્પદ ટ્રક અંગે જાણ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ટ્રકની તપાસ હાથ ધરી હતી. દરમિયાન અશોક લેલેન્ડ ટ્રકમાંથી 15 પશુઓને અત્યંત ખીચોખીચ અને ક્રૂરતાપૂર્વક ભરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. પશુઓ માટે ખોરાક, પાણી તેમજ હવા-ઉજાસ જેવી સુવિધા ઉપલબ્ધ ન હતી, જેના કારણે પશુઓની હાલત નાજુક જોવા મળી હતી.
પોલીસે ટ્રકના ડ્રાઇવર ઇમરાનખાન કેસરખાન બલોચ (રહે. મહેસાણા) અને ક્લીનર હૈદરખાનને સ્થળ પરથી જ ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન પશુઓ ભરી આપનાર તરીકે અંકલેશ્વરના ગુલામનબી રસુલનું નામ ખુલ્યું હતું, જેને હાલ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે ટ્રક અને પશુઓ સહિત કુલ રૂ. 10 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે, જેમાં પશુઓની અંદાજિત કિંમત રૂ. 3 લાખ અને ટ્રકની કિંમત રૂ. 7 લાખ ગણવામાં આવી છે. બચાવાયેલા તમામ પશુઓને દરજીપુરા પાંજરાપોળ ખાતે સલામત રીતે મોકલી આપવામાં આવ્યા છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પશુઓને બોરસદથી ભરાવી મહારાષ્ટ્રના માલેગાંવ સ્થિત કતલખાને લઈ જવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના કાર્યકરોની સતર્કતાથી ટ્રક જામ્બુઆ બ્રિજ પાસે જ અટકાવવામાં આવ્યો હતો. કપુરાઈ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે