Bodeli

બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય


બોડેલી:

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી બાર એસોસિએશનની ચૂંટણીમાં ફરી એકવાર લલિતચંદ્ર ઝેડ રોહિતની પેનલે દમદાર પ્રદર્શન કરતા સતત પાંચમી વખત જંગી બહુમતીથી વિજય મેળવી લીધો છે. ચૂંટણી પરિણામ જાહેર થતા જ બોડેલી કોર્ટ સંકુલમાં ઉત્સાહ અને આનંદનો માહોલ છવાઈ ગયો હતો.

બોડેલી બાર એસોસિએશનના પ્રમુખ તરીકે લલિતચંદ્ર ઝેડ રોહિત, ઉપપ્રમુખ તરીકે ઇન્દિરાબેન રોહિત, મંત્રી તરીકે અજય શ્રીવાસ્તવ તેમજ આશાબેન ઠક્કર લાયબ્રેરી ઇનચાર્જ તરીકે બિન હરીફ વિજેતા જાહેર થયા હતા. ત્યારબાદ સહ-મંત્રી અને ખજાનચી પદ માટે સવારે 10 વાગ્યાથી બોડેલી કોર્ટ સંકુલ ખાતે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં વકીલોએ ભારે ઉત્સાહ સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

ચૂંટણી અધિકારી જે. રોહિતના અધ્યક્ષસ્થાને યોજાયેલી ચૂંટણીમાં સહ-મંત્રી પદ માટે હસમુખ એ. જયસ્વાલ અને નિલેશ એસ. રાઠવા વચ્ચે મુકાબલો યોજાયો હતો. મતગણતરીમાં હસમુખ જયસ્વાલને 16 મત મળ્યા જ્યારે નિલેશ એસ. રાઠવાને 88 મત પ્રાપ્ત થતાં તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

તે જ રીતે ખજાનચી પદ માટે શબનમ બાનુ અને ભાવિશા આર. વસાવા વચ્ચે કડક ટક્કર જોવા મળી હતી. જેમાં શબનમ બાનુને 26 મત જ્યારે ભાવિશા આર. વસાવાને 78 મત મળતા ભાવિશાબેન વિજયી બન્યા હતા. આ રીતે સહ-મંત્રી અને ખજાનચી બંને પદ પર પણ લલિતચંદ્ર ઝેડ રોહિતની પેનલના ઉમેદવારો વિજેતા જાહેર થતા પેનલનો સંપૂર્ણ દબદબો સાબિત થયો હતો.

ચૂંટણી પરિણામ જાહેર થતા જ ડીજેના તાલે વકીલ મંડળ ઝૂમી ઉઠ્યું હતું અને લલિતચંદ્ર ઝેડ રોહિતની પેનલના સતત પાંચમી વખત વિજય બદલ આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કોર્ટ સંકુલમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.

Most Popular

To Top