બ્રેઝા કાર સાથે રૂ. 10.57 લાખનો મુદ્દામાલ જપ્ત
પ્રતિનિધિ, બોડેલી
બોડેલી પોલીસ સ્ટેશન દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર જથ્થો ઝડપી પાડી એક આરોપી સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. 10,57,380ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
બોડેલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એસ. ગાવિતના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ ઝાંખરપુરા નર્મદા મેઇન કેનાલ રોડ પર પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એએસઆઇ દિનેશભાઇ બચુભાઇને મળેલી બાતમીના આધારે મારુતિ સુઝુકી બ્રેઝા કાર (નં. GJ-17-CK-5297)ને અટકાવી તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન કારમાંથી વિવિધ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 1408 બોટલો મળી આવી હતી. જેમાં સ્મૂથનેસ રિઝર્વ વિસ્કી, માઉન્ટ્સ સુપર સ્ટ્રોંગ બિયર, મેકડોયલ્સ નં.1, રોયલ સ્ટેગ અને રોયલ ચેલેન્જ ગોલ્ડ જેવી બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. દારૂની કુલ કિંમત રૂ. 2,56,880 હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરાંત આરોપીની અંગઝડતીમાંથી રૂ. 500 રોકડા અને દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી બ્રેઝા કાર (કિં. રૂ. 8,00,000) પણ કબજે કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યવાહીમાં કુલ રૂ. 10,57,380નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપી પ્રવિણભાઇ ઉર્ફે પરીયો ચીમનભાઇ સોલંકી (ઉ.વ. 43, રહે. અંબા તળાવ, તા. હાલોલ, જી. પંચમહાલ) વિરુદ્ધ પ્રોહીબિશન કાયદા હેઠળ આગળની કાર્યવાહી કરવામાં આવી છે.