Bodeli

બોડેલી નગરમાં જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવની ધામધૂમથી ઉજવણી થશે


બોડેલી: શુદ્ધાદ્વૈત પુષ્ટિ સંપ્રદાયના પ્રવર્તક વૈષ્ણવોના પ્રાણાધાર શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો 548 મો પ્રાગટ્ય મહોત્સવ તારીખ 24 /4/ 2025 ને ગુરુવારના રોજ આવી રહ્યો છે ત્યારે બોડેલી વૈષ્ણવ સમાજ દ્વારા આ મહોત્સવને ઉજવવા માટેની તડામાર તૈયારીઓ થઈ રહી છે.
સવારથી જ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શ્રી દ્વારકાધીશ મંદિરથી સવારે પ્રભાત ફેરી નીકળશે. જેમાં શ્રી વલ્લભ વિઠ્ઠલના ગુણગાન ગાતા આ પ્રભાતફેરી રાજમાર્ગો પર ફરી પરત મંદિરે આવશે. જ્યાં પુષ્ટિ ધ્વજારોહન થશે અને શ્રી વલ્લભનો જયઘોષ થશે, જ્યારે સવારે 10: 30 કલાકે શૃંગારના દર્શન માં શ્રી પ્રભુ સોનાના પાલને ઝુલશે અને રાજભોગમાં 11:30 કલાકે પ્રભુને તિલક થશે ,જ્યારે સાંજે 5:00 કલાકે વલ્લભ કૂલના પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી રવિકુમારજી મહારાજશ્રીની પાવન નિશ્રામાં ભવ્ય શોભાયાત્રા મનોરથિ ઉષાબેન દિલીપભાઈ સોનીના એન.એ પરીખ રોડ પર આવેલ માધવ જ્વેલર્સ ના નિવાસ્થાનેથી નીકળી બોડેલીના રાજમાર્ગો પર ફરી પુનઃ શ્રી દ્વારકાધીશ મંદિર પહોંચશે. જ્યાં શ્રી વલ્લભને માળા તિલક થશે અને શ્રી દ્વારકાધીશ પ્રભુના અતિ દિવ્ય, ભવ્ય અને અલૌકિક મનોરથના દર્શન થશે. ત્યારબાદ વૈષ્ણવ સમાજની વાડીમાં સર્વે વૈષ્ણવો મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવશે.

Most Popular

To Top