ખરાબ રોડ રસ્તા ને લઇ સ્થાનિક લોકો દ્વારા રોડ પર ચક્કાજામ
15 થી 20 ગામના લોકોએ મોડાસર ચોકડી થી રંગલી ચોકડી સુધીના બિસ્માર રોડ ને લઇ મગનપુરા ગામે રસ્તા પર બેસી વિરોધ નોંધાવ્યો
બોડેલી: છોટાઉદેપુર જિલ્લાના બોડેલી મોડાસર ચોકડીથી રંગલી ચોકડી સ્ટેટ હાઇવે લાબા સમયથી બિસ્માર હાલતમાં મૂકાતા મગનપુરા બસ સ્ટેન્ડ પાસે ખેડૂતો સહિત ગ્રામજનોએ ચક્કાજામ કરી વિરોધ નોધાવ્યો હતો.

બોડેલી મોડાસર ચોકડી પરથી માર્ગની હાલત ખરાબ હોવાથી અનેક વાર રજૂઆત છતા સમસ્યાનું નિરાકરણ ન આવતા આજુબાજુ ના 20 જેટલા ગામના લોકો વિફર્યા હતા. ટ્રાફિક જામ સર્જાતા અનેક વાહન ચાલકો અટવાયા હતા.

આર એન્ડ બી વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળે દોડી આવી રોષે ભરાયેલા 15 થી 20 જેટલા ગામના લોકોને વહેલી તકે માર્ગ ઉપર મોટા કપચા પથરાઈ જવાની બાહેધરી આપવામાં આવી હતી. ત્યારે સમગ્ર મામલો વધુ ગરમાતા આખરે બોડેલી પોલીસ ઘટના સ્થળે દોડી આવી આવી હતી.

અંદાજે ત્રણ કિલો મીટર જેટલી વાહનો ની લાંબી કતારો લાગી ગઈ હતી. તેથી પોતાના નિયત સ્થળે પહોંચવા અટવાયેલા લોકોએ ટ્રાફિક હળવું કરતા રાહત અનુભવી હતી .

ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લામાં શિહોદ ભારજ નદી પરનો પુલ અંદાજે ત્રણ વર્ષ પહેલા બે ભાગમાં વહેચાઈ જતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોડાસર ચોકડી થી ડ્રાયવર્ઝન આપવામાં આવતા વાહન ચાલકો ની અવર જવર વધી હતી. અનેક વાર માર્ગ બિસ્માર હાલતમાં મુકાતા પ્રજા ત્રાહિમામ પોકારી ઊઠી હતી. આખરે પ્રજાએ ચક્કાજામ નું શસ્ત્ર ઉગામતા તંત્ર હરકતમાં આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે તંત્ર દ્વારા બાહેધરી આપવામાં આવતા વાહન વ્યવહારને ખુલ્લો કરવામાં આવ્યો હતો.
અહેવાલ: ઝહીર સૈયદ બોડેલી છોટાઉદેપુર