રાજપૂત સમાજ માટે કરાયેલ અભદ્ર ટિપ્પણી નો વિરોધ વંટોળ છેક છેવાડા ના ગામડા સુધી પહોંચ્યો છે
બોડેલી તાલુકાના જબુગામ ખાતે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા નો વિરોધ કરવા ભાજપના કોઈપણ કાર્યકર કે આગેવાને ગામમાં પ્રવેશ કરવો નહીં.તે પ્રકારના લખાણ સાથે પ્રવેશબંધીનાં પોસ્ટર લગાવાયા છે.પુરષોત્તમ રૂપાલાની ટીકીટ રદ ન થાય ત્યાં સુધી આ પ્રવેશ બંધીનો અમલ ચાલુ રહેશે તેમ જણાવાયું છે.
સમસ્ત બોડેલી તાલુકા રાજપૂત સમાજના નામે જબુગામ મધ્યે બેનર લટકાવવામાં આવ્યા છે. પુરુષોત્તમ રૂપાલા એ રજવાડાઓની મહિલાઓ માટે કરેલી ટિપ્પણીઓ સંદર્ભે રાજપૂત સમાજ આક્રોશીત થયો છે.બે દિવસ પહેલાં બોડેલીમાં રાજપૂત સમાજની વાડીમાં મિટિંગ કરી ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે ભાજપ પ્રમુખને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.હવે વિરોધને ઉગ્ર રૂપ આપતાં જબુગામ મધ્યે ભાજપ કાર્યકરોને પ્રવેશબંધી ફરમાવતા બેનર લગાવવામાં આવ્યા છે.
રાજપૂત યુવાનોએ મોદી તુજસે બૈર નહિ રૂપાલા તેરી ખેર નહિ, જય ભવાની, જય રાજપૂતાના..જેવા સૂત્રો પોકારી ઉગ્ર આંદોલનાત્મક પ્રદર્શન કરવામાંઆવ્યુ હતું.
રાજપૂત સમાજના દેશ માટે બલિદાન અને આઝાદી વખતના યોગદાનને યાદ કરાવતા રાજપુતાણીઓ વિદેશી આક્રાંતાઓ સામે ઝુકવાને બદલે જોહર કરતી હતી.જ્યારે રૂપાલાએ રાજપુતાણીઓ માટે જે શબ્દો વાપર્યા છે તે કોઈ રાજપૂત ચલાવી લે તેવા હરગીઝ નથી.એકત્રિત થયેલા દરબાર યુવાનોએ આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી છે.
આ તો ટ્રેલર છે, આખું પિક્ચર તો હજી બાકી છે
- જયપાલ રાઉલજી, કાર્યકર, જબુગામ યુવા સંગઠન
અમારી ક્ષત્રિયાણીઓ માટે હલકા શબ્દો પ્રયોજનાર પુરષોતમ રૂપાલા સામે અમારો સજ્જડ વિરોધ છે. અમે ભાજપના કાર્યકરો અને આગેવાનો માટે જબુગામ ગામમાં પ્રવેશબંધી ફરમાવી છે. વિરોધનું આ તો માત્ર એક ટ્રેલર છે. આખું પિક્ચર તો હજી બાકી છે. આગામી સમયમાં વિરોધના નવા કાર્યક્રમો અમે આપીશું
જબુગામમાં પ્રવેશ બંધીનો ભંગ કોઈક કરશે તેને પગલે કંઈક અઘટિત થશે તો તો તેની જવાબદારી તેઓના પોતાના શિરે રહેશે
- સંજયસિંહ રણા, યુવા કાર્યકર, જબુગામ
દેશના 562 રજવાડાઓને એક કરવાનું કામ જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું ત્યારે તમામ રાજપૂત રજવાડાઓએ પોતાની સત્તાઓ જતી કરી દેશ માટે ભોગ આપ્યો હતો. રાજપૂત સમાજનો દેશભર નો ઇતિહાસ અભૂતપૂર્વ યોગદાન છે. રાજપૂત સમાજની મહિલાઓ માટે ક્યાંય અભદ્ર શબ્દોમાં ઇતિહાસમાં લખ્યું નથી. તેમ છતાં પણ પુરુષોત્તમ રૂપાલાએ જે પ્રકારની રાજપૂત સમાજ માટે ટિપ્પણીઓ કરી છે તે અક્ષમ્ય છે. જબુગામમાં અમે ભાજપ કાર્યકરો માટે પ્રવેશબંધી ફરમાવી છે. તેનો ભંગ કોઈ કરશે તો તેને પગલે કંઈ પણ અઘટિત ઘટના બનશે તો તેની જવાબદારી તેઓના પોતાના શિરે રહેશે.