કંવાટ :
બોડેલી ખાતે મહાવીર સ્વામી જન્મ જયંતીની ભક્તિભાવપૂર્વક હર્ષોલ્લાસભેર શોભાયાત્રા સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં જૈન સંપ્રદાયના શ્રદ્ધાળુઓ જોડાયા હતા.
ચૈત્ર સુદ તેરસ એટલે જૈન સંપ્રદાયના ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતી અને આ ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતીની ઉજવણી જૈન સંપ્રદાય માટે તીર્થ ગણાતા એવા ઉત્સવ અને ધર્મ પ્રિય બોડેલી નગર ખાતે ખૂબ જ ધાર્મિકતા અને હર્ષોલ્લાસભેર કરવામાં આવી હતી.
બોડેલી નગરના જૈન દેરાસર ખાતેથી ડીજે અને ઢોલ નગારા સાથે ભગવાન મહાવીર સ્વામીના સ્વરૂપને રથમાં બિરાજમાન કરાવી ઘોડા બગી સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી બોડેલીના માર્ગો પરથી પસાર થઈ અલીપુરા શ્રી રામચોક થઈ ડભોઇ રોડ પરથી આગળ વધી જુની બોડેલી સ્થિત જૈન દેરાસર ખાતે પહોંચી હતી. ત્યારે શોભાયાત્રામાં જૈન સંપ્રદાયના જ્યોતિષાચાર્ય ભગવંત શ્રી વિદ્યુતરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પ્રવર્તક પ.પૂ વિનોદવિજયજી મ.સા. તથા પ.પૂ ઉપાધ્યાય
અનંતચંદ્ર મ.સા., પ.પૂ મુની શ્રી મુનિન્દ્રવિજયજી મહારાજ સાહેબ, પ.પૂ મુનીશ્રી શ્રુતદર્શનવિજયજી મહારાજ સાહેબ, પ.પૂ બાલ મુનિશ્રી વિનીદર્શનવિજયજી મહારાજ સાહેબ વિગેરે સાથે પ.પૂ શાસન દીપિકા સાધ્વી શ્રી સુમંગલાશ્રીજી મ.સા. શિષ્ય પ.પૂ સાધ્વી શ્રી પ્રફુલપ્રભાશ્રીજી મહારાજ સાહેબનાં શિષ્યા પૂ. સાધ્વી શ્રી પૂર્ણકલાશ્રીજી મહારાજ સાહેબ વિગેરે સાથે બોડેલી અલીપુરા અને ઢોકલીયા સહિત આસપાસના વિસ્તારમાં વસતા જૈન સંપ્રદાયના શ્રાવક શ્રાવિકાઓ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા અને સૂત્રોચાર સાથે વાતાવરણને મહાવીર બનાવી દીધું હતું. શોભાયાત્રા જુની બોડેલી જૈન દેરાસર પહોંચતા વિવિધ મંગલકારી કાર્યક્રમ સાથે આચાર્ય ભગવંતોનાં પ્રવચનો નો લાભ ઉપસ્થિત શ્રાવક શ્રાવિકાઓએ લીધો હતો.
