મોટી હોનારત ટળી: ટ્રેક્ટરમાં સવાર 7 લોકોનો આબાદ બચાવ, નદીમાં ખાબકતા રહી ગયું ટ્રેક્ટર.
નિયમોના ધજાગરા: કલેક્ટરના જાહેરનામા છતાં પુલ પર ભારે વાહનોનો રાફડો, જવાબદાર કોણ?
પ્રતિનિધિ બોડેલી
બોડેલીના ઓરસંગ બ્રિજ પર એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ છે. બેફામ ઝડપે આવતા એક હાઈવા ટ્રકે મકાઈના રાડા ભરેલા ટ્રેક્ટરને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે ટ્રેક્ટરમાં ભરેલો તમામ સામાન પુલ પર વેરવિખેર થઈ ગયો હતો, જેના કારણે કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

મકાઈના રાડા ભરેલું ટ્રેક્ટર જ્યારે બ્રિજ પરથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે પાછળથી આવતા એક હાઈવા ચાલકે ગફલતભરી રીતે ટ્રેક્ટરને ઠોકર મારી હતી. ટ્રેક્ટરમાં કુલ 7 જેટલા શ્રમિકો સવાર હતા. સદનસીબે, ટ્રેક્ટર પુલના પિલર સાથે અથડાઈને અટકી ગયું હતું. જો આ ટ્રેક્ટર ઓરસંગ નદીમાં ખાબક્યું હોત, તો મોટી જાનહાનિ થઈ શકી હોત. હાલમાં તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.

ઓરસંગ બ્રિજની જર્જરિત હાલત અથવા સુરક્ષાના કારણોસર કલેક્ટર શ્રી દ્વારા આ પુલ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. છતાં પણ ભારે વાહનો અહીંથી પસાર થઈ છે જેને લઈને આવી ઘટનાઓ બનતી હોય છે
રિપોર્ટર: ઝહીર સૈયદ બોડેલી