- અનેકના ખિસ્સા કપાયા
- વડોદરા મનપાના વિપક્ષના કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવના 45 હજાર ચોરાયા
- વડોદરાના અન્ય કાર્યકરોના પણ ખિસ્સા કપાયા હોવાની માહિતી
રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા સાથે ગુજરાતના પ્રવાસે છે ત્યારે શુક્રવારે તેઓની બોડેલીની સભામાં ખિસ્સા કાતરુંઓને ચાંદી ચાંદી થઈ ગઈ હતી. ખિસ્સા કાતરુઓએ વડોદરા મનપા વિપક્ષના આગેવાન ચંદ્રકાંત શ્રીવાસ્તવના પણ રૂપિયા 45000 સેરવી લીધા હતા.રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રાને લઈને ગુજરાતમાં પ્રવેશ્યા છે શુક્રવારે તેઓની બોડેલી ખાતે સભા યોજવામાં આવી હતી આ સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટ્યા હતા અને તેનો લાભ લઇ કેટલાક ખિસ્સા કાતરુઓ પણ સભામાં પ્રવેશી ગયા હતા. કાર્યકરો એક તરફ રાહુલ ગાંધીની એક ઝલક મેળવવા માટે પડાપડી કરી રહ્યા હતા તો બીજી તરફ ખિસ્સા કાતરુંઓને મઝા પડી ગઈ હતી. ભીડનો લાભ લઈને ખિસ્સા કાતરુઓએ અનેકના ખિસ્સામાંથી રોકડ રકમ સેરવી લીધી હતી. તો કોઈક નો મોબાઇલ પણ ચોરાઈ ગયો હતો. આ સભામાં 20 થી 25 જેટલા લોકોની માલસામાનની ચોરી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષના સિનિયર આગેવાન ચંદ્રકાંત શ્રીવાસ્તવનો પણ સમાવેશ થાય છે તેઓના ખિસ્સામાંથી પણ રૂપિયા 45000 ની ચોરી થઈ હોવાનું તેઓએ જણાવ્યું હતું આ ઉપરાંત વડોદરાના કેટલાક કાર્યકરો ના ખિસ્સા પણ કપાયા હતા જો કે આ અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે. કેટલાકે ટીખડ કરતાં એમ પણ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી તમામને નોકરીઓ આપવાનો વાયદો કરે છે ત્યારે તેઓની સભામાં તસ્કરોને તો ફાયદો થયો છે.