Bodeli

બોડેલીમાં જગતનો તાત કહેવાતા ખેડૂતો ખાતર લેવા માટે મોટી મોટી લાઈનોમાં જોવા મળ્યા

ખેડૂતોની કતાર લાંબી થતા એક તરફથી બીજે તરફ મોકલવામાં આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો

બોડેલી:;છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરમાં ખાતર લેવા આવેલા ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે,
બોડેલીના ગરબી ચોક ખાતે આવેલી ખાતરની દુકાન અચાનક લાંબી લાંબી લાઈનો લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આ દરમિયાન દુકાનદાર દ્વારા ટ્રાફિકનું બહાનું બતાવી ખેડૂતોને માર્કેટ યાર્ડ ખાતે મોકલતા દોડાદોડીની સ્થિતિ સર્જાઈ હતી. બાદમાં બોડેલી માર્કેટ યાર્ડ ખાતે પણ ખેડૂતોની લાંબી કતારો જોવા મળી હતી. આજે જગતમાં તાતને એક તરફથી લાઈનમાંથી હટાવી બીજી તરફ લાઈનમાં જ પાડવામાં આવે છે.

બોડેલી શહેરમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ખાતર લેવા આવતા હોય છે અને તેમને અવારનવાર આવી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે

કેટલાક ખેડૂતોનું કહેવું છે કે કોઈ સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું નહોતું, જેના કારણે ખેડૂતો એકબીજાને પૂછતા પૂછતા માર્કેટ યાર્ડ તરફ દોડી પડ્યા હતા.ગરબી ચોક ઉપરાંત માર્કેટ યાર્ડ ખાતે આવેલા ખાતર ડેપો પર પણ મોટી સંખ્યામાં ખેડૂતો કતારોમાં ઊભા રહ્યા હતા. અહીં ખેડૂતો દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે ખાતર ડેપો પર નક્કી કરેલા ભાવ કરતાં વધુ રૂપિયા લેવામાં આવી રહ્યા છે અને સાથે ખાતર સાથે દવાની બોટલ ખરીદવા માટે ખેડૂતોને મજબૂર કરવામાં આવે છે.

જ્યારે બીજી તરફ ખાતર ડેપોના અધિકારીઓએ આ તમામ આરોપોને નકારી કાઢતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા જે ભાવ નક્કી કરવામાં આવ્યા છે તે મુજબ જ ખાતરનું વેચાણ કરવામાં આવી રહ્યું છે અને કોઈ પણ પ્રકારનો ભાવ વધારો લેવામાં આવતો નથી અને બધા ખેડૂતોને ખાતર મળે તે પ્રમાણે નું આયોજન કરવામાં આવી રહ્યું છે.

પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા જ ગરબી ચોક ખાતે આવેલી ખાતરના દુકાનદારે અચાનક દુકાન બંધ કરી દીધી, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અનેક ખેડૂતો દ્વારા સ્થાનિક વહીવટી તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી.ખાતર જેવી મહત્વની કૃષિ સામગ્રી માટે ખેડૂતોને પરેશાની વેઠવી પડે તે ચિંતાજનક બાબત છે. હવે જોવાનું એ રહે છે કે વહીવટી તંત્ર આ મામલે કેવી રીતે ખેડૂતોને રાહત અપાવે છે.


રિપોર્ટર:;ઝહીર સૈયદ, બોડેલી

Most Popular

To Top