બોડેલી :
બોડેલીનાં બોડેલી, અલીપુરા ઢોકલીય વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડની બંને તરફ દુકાનદારો દ્વારા પોતાની દુકાનોની આગળ ફૂટપાથ પર દુકાનનો માલ સામાન ગોઠવી તેમજ દુકાનની ઉપરના ભાગમાં છતો બહાર કાઢી તેની પર પણ માલ સામાન ટીંગાડી દેવાતા બજારમાં આવતા લોકોને વાહન પાર્કિંગની જગ્યા જ ન મળતા આવા દબાણો નડતરરૂપ હોય દુકાનદારોને ત્રણેય ગામની પંચાયતો દ્વારા બેથી ત્રણ વાર નોટિસો આપી આવા દબાણો દૂર કરવા જણાવાયું હતું. તેમ છતાં દુકાનદારો દ્વારા દબાણો દૂર ન કરાતા બે ત્રણ દિવસ પહેલા જ બોડેલીના પ્રાંત અધિકારી સાથે તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર તેમજ માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી એન્જિનિયર દ્વારા એક સાથે બોડેલીના અલીપુરા ચાર રસ્તાથી ચારે તરફના રોડ પરની દુકાનોવાળાઓને જાતે અધિકારીઓ રૂબરૂમાં જઈને દબાણ હટાવવા માટે સૂચનાઓ આપી હતી. એટલું જ નહીં બોડેલી ગ્રામ પંચાયત દ્વારા દુકાનદારોને દબાણો દૂર કરવા માટે નોટિસો પણ આપવામાં આવી હતી. તેમ છતાં દુકાનદારોનું પેટનું પાણી ના હાલતા નાછૂટકે આજે બોડેલીના પ્રાંત અધિકારી, મામલતદાર, બોડેલી તાલુકા વિકાસ અધિકારી તેમજ માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી એન્જિનિયર અલીપુરા ચાર રસ્તા પર ભેગા થયા હતા અને એક સાથે ચાર ટીમ બનાવી અલીપુરા ચોકડીની ચારે તરફ ના રોડ પરના દબાણો દૂર કરવા જેસીબી અને ટ્રેક્ટર સાથે નીકળ્યા હતા.

અલીપુરા ચાર રસ્તાથી ચારે તરફનાં રોડ પરની આસપાસની દુકાનો પર અધિકારીઓએ જાતે જઈ રોડ પર બનાવેલા વધારાના ઓટલાઓ ,દુકાનની આગળ ઉપરના ભાગે માલ સામાન લટકાવવા માટે બનાવેલી છતો હટાવી દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી. ત્યારે અલીપુરાથી છોટાઉદેપુર તરફ જતા રસ્તા પરનાં દુકાનદારોએ પોતાની જાતે સ્વેચ્છાએ જ દુકાનની આગળ બનાવેલ પતરાના મોટા શેડ હટાવવાની શરૂઆત કરી હતી.
