Bodeli

બોડેલીના અલીખેરવા વિસ્તારમાં નર્મદા વસાહતના મકાનમાં ઉંદરે લગાડી આગ

ઉંદર સળગતો દીવો ખેંચી જતા ગોદડામાં આગ લાગતા અફરા-તફરી

બોડેલી: છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલા અલીખેરવા વિસ્તારમાં નર્મદા વસાહતમાં એક મકાનમાં અચાનક આગ લાગતા વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. બનાવ સમયે મકાનમાં રહેતા પરિવારજનો હાજર હતા, જોકે સદનસીબે તમામનો આબાદ બચાવ થયો હતો.

વીજ કનેક્શન કાપેલુ હોવાથી દીવાના પ્રકાશે રહેતા પરિવાર પર આવી આફત

મળતી માહિતી મુજબ મકાનમાં રહેતા પરિવાર પાસે વીજ બિલ ભરવાના પૈસા ન હોવાથી તેમનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું. આ કારણે પરિવાર દીવાના પ્રકાશના સહારે જીવન વિતાવતો હતો. આ દરમિયાન ઉંદર સળગતો દીવો ખેંચી લઈ જતા તે ગોદડા પર પડી જતા આગ ફાટી નીકળી હતી, જેના કારણે ઘરનો સામાન સળગી ગયો અને ભારે અફરા-તફરી મચી હતી.

સ્થાનિક લોકો અને ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો

આગની ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને તરત જ ફાયર ફાઈટર ટીમને જાણ કરવામાં આવી હતી. સ્થાનિકોની મદદથી ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચી આગને કાબૂમાં લીધી હતી, જેથી મોટું નુકસાન ટળી ગયું હતું.

અહેવાલ: ઝહીર સૈયદ
બોડેલી, છોટાઉદેપુર

Most Popular

To Top