Kalol

બોગસ લગ્ન નોંધણી કાંડ પોલીસે સાંભળ્યું નહીં, કોર્ટમાં પહોંચી પીડિતા

કાલોલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી
લગ્નના સોગંદનામા અને દસ્તાવેજો અડધા–કોરા હોવાનો ગંભીર આક્ષેપ
કાલોલ:
કાલોલના રાણાવાસ વિસ્તારમાં રહેતી અંજલી સુરેશભાઈ રાણા દ્વારા બોગસ લગ્ન રજીસ્ટર કરાવવાના ગંભીર મામલે કાલોલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. યુવતીએ જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા કલેક્ટર, ગૃહમંત્રી તેમજ કાલોલ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરી હોવા છતાં કાર્યવાહી ન થતાં, વડોદરાના એડવોકેટ નીરજ જૈન મારફતે કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.
ફરિયાદ મુજબ આરોપી હાર્દિક અશોકભાઈ રાણા અને તેના બે મિત્રો ઘનશ્યામભાઈ પ્રદીપભાઈ કાછીયા તથા ઉતમ ભોગીલાલ કુશવાહ, સાથે ગોર મહારાજ નરેશ રતીલાલ પુરોહિત, ઘુંડી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને ગોધરાના એડવોકેટ-નોટરી સહિત કુલ છ ઇસમોએ કાવતરું રચ્યું હતું. યુવતી સાથે કોઈપણ પ્રકારનું લગ્ન ન થયા હોવા છતાં 11/03/2024ના રોજ ધુંડી, તા. ઠાસરા ખાતે લગ્નનું સર્ટિફિકેટ તૈયાર કરાયું હોવાનો આક્ષેપ છે.
યુવતીએ જણાવ્યું છે કે મિત્રતાનો લાભ લઈ આરોપીએ ખોટી સમજ આપી દસ્તાવેજો મેળવી લીધા અને નોટરી સાથે સાંઠગાંઠ કરી કોરા સોગંદનામા પર સહીઓ કરાવી હિંદુ વિધિથી લગ્ન થયાનું ખોટું દર્શાવવામાં આવ્યું. પીડિતાએ ક્યારેય ગોધરા કે ઠાસરા જઈ એફિડેવિટ કરી નથી અને લગ્ન કરાવનાર બ્રાહ્મણને ઓળખતી પણ નથી.
કાલોલ કોર્ટમાં સુનાવણી દરમિયાન કોર્ટે સાક્ષી પુરાવા માટે આગામી 22 જાન્યુઆરીની તારીખ નક્કી કરી છે. પીડિતા આગામી સમયમાં કોર્ટ સમક્ષ વિગતવાર નિવેદન આપશે તેમ એડવોકેટ નીરજ જૈને જણાવ્યું છે.

Most Popular

To Top