પતિને જાનથી મારી નાખવાની ધમકી
(પ્રતિનિધિ), વડોદરા | તા. 7
વડોદરા શહેરમાં મહિલાઓ સામેના ગંભીર ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આવો જ એક ચકચારી બનાવ માંજલપુર વિસ્તારમાં સામે આવ્યો છે, જ્યાં બે સંતાનના પિતા દ્વારા એક પરિણીત મહિલા પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ નોંધાયો છે. આરોપીએ મહિલા સાથેના ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી વારંવાર શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, માંજલપુરના અલવા નાકા વિસ્તારમાં રહેતો ધર્મેશ ત્રિવેદી પરિણીત છે અને તેને પત્ની તથા બે સંતાનો છે. છતાં પણ તે એક પરિણીત મહિલાના સંપર્કમાં આવ્યો હતો. સતત ફોનકોલ અને મેસેજ દ્વારા વાતચીત થતાં બંને વચ્ચે નજીકતા વધી હતી. આરોપીએ મહિલાને ફરવાના બહાને મધ્યપ્રદેશ સહિત વિવિધ સ્થળોએ લઈ જઈ હોટલોમાં રોકાઈ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આરોપી મહિલાના પતિ ઘરે હાજર ન હોય ત્યારે તેના ઘરે જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરતો હતો. જ્યારે મહિલાએ આ સંબંધ તોડી નાખવાનો પ્રયાસ કર્યો અને શારીરિક સંબંધ બાંધવાનો ઇનકાર કર્યો, ત્યારે આરોપીએ તેના ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. આ સાથે મહિલાના પતિને જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી હતી.
આ ધમકીઓથી ગભરાઈ ગયેલી મહિલાએ અંતે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ, ધમકી અને અન્ય લાગુ કલમો હેઠળ ગુનો નોંધી, તેને ઝડપી પાડવા તજવીજ શરૂ કરી છે.
આ બનાવ ફરી એક વખત મહિલાઓની સુરક્ષા અને સોશિયલ મીડિયાના દુરુપયોગ અંગે ગંભીર ચિંતા ઊભી કરે છે.