Vadodara

બે માસમાં 10થી વધુ વખત ખાદ્ય નમૂના લેવાયા, પરંતુ આજદિન સુધી પરિણામ જાહેર કરાયા નહીં

મ્યુનિસિપલ કમિશનરના આદેશે ફૂડ વિભાગનું માત્ર દેખાડા પૂરતું ચેકીંગ
હોટેલ-રેસ્ટોરન્ટમાં કયા તેલનો ઉપયોગ થાય છે તેની તપાસમાં પણ પાલિકા નિષ્ક્રિય

વડોદરા: છેલ્લા બે માસમાં વડોદરા મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી ખાદ્ય પદાર્થોના 10 થી વધુ વખત નમૂના લેવામાં આવ્યા હતા. જો કે, આ નમૂનાઓમાંથી કયા ખાદ્ય પદાર્થો આરોગવા યોગ્ય છે અને કયા ખાદ્ય પદાર્થો ખરાબ છે તે અંગેનું પરિણામ આજદિન સુધી જાહેર કરાયું નથી. આથી શહેરીજનોમાં પ્રશ્નો ઉભા થયા છે કે ચેકીંગ બાદ ચોક્કસ સ્થિતિ બહાર કેમ મૂકાતી નથી. ફૂડ વિભાગ દ્વારા હાથ ધરાતા ચેકીંગને માત્ર દેખાડા પૂરતું ગણાવાય છે. નમૂનાઓ લેવાયા બાદ તેનું પરિણામ જાહેર ન થતા આખી પ્રક્રિયા માત્ર કમિશનરના આદેશની પૂર્તિ કરવા પૂરતી જ થાય છે તેવો આક્ષેપ થાય છે. મહત્વનું છે કે, ઉત્તરાયણ સમયે પણ શહેરભરમાંથી મીઠાઈ અને અન્ય ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. પરંતુ એ સમયના નમૂનાઓના પરિણામો આજ સુધી બહાર પાડવામાં આવ્યા નથી.

ખાદ્ય સુરક્ષા માટે જરૂરી તપાસ નિયમિત હોવી જોઈએ. પરંતુ હાલ જે રીતે ફૂડ વિભાગ કામ કરી રહ્યો છે તે માત્ર કાગળ પૂરતું જ લાગી રહ્યું છે. શહેરીજનોને કયું ખોરાક આરોગ્ય માટે યોગ્ય છે અને કયું હાનિકારક છે તે જાણવા મળતું નથી. આ ઉપરાંત, શહેરની વિવિધ હોટેલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની દુકાનોમાં કયા તેલમાંથી ખાદ્ય પદાર્થ તૈયાર થાય છે તે લખવું ફરજિયાત હોવા છતાં તેનો અમલ થતો નથી. પાલિકા દ્વારા આ બાબતમાં પણ કોઈ તપાસ હાથ ધરાતી નથી. પરિણામે નાગરિકોને ખોરાકની ગુણવત્તા અંગે સ્પષ્ટ માહિતી મળતી નથી. જાહેર આરોગ્યને લગતી બાબતમાં ફૂડ વિભાગ દ્વારા પારદર્શકતા રાખવી જરૂરી છે. પરંતુ હાલમાં નમૂનાઓ લેવાયા પછીના પરિણામો જાહેર ન થતા નાગરિકોમાં અસમંજસ ફેલાયું છે અને આ બાબતે સ્પષ્ટતા થવી જરૂરી છે.

Most Popular

To Top