કોયલી ગામના 22વર્ષીય યુવાને પોતાના ઘરે ફાંસો ખાઇ લેતાં મોત નિપજ્યું
ગોત્રીના વ્યક્તિએ ગોત્રી પાલિકાના બગીચાની બાજુમાં ઝાડની ડાળી સાથે દોરડું બાંધી વહેલી સવારે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી
(પ્રતિનિધિ) વડોદરા તા. 22
બે વિવિધ સ્થળોએ બનેલા બે બનાવોમાં બે લોકોએ કોઇક અગમ્ય કારણોસર પોતાના ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધા હતા.જેમા એક યુવકે કોયલી ગામે પોતાના ઘરે જ પોતાના બેલ્ટથી ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું જે અંગે જવાહરનગર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસ.એસજી.હોસ્પિટલમા ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે જ્યારે ગોત્રી વિસ્તારમાં આવેલા પાલિકાના બગીચાની બાજુના ઝાડે દોરડીથી ફાસો ખાઇ એક વ્યક્તિએ જીવન ટૂંકાવી લેતા ગોત્રી પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રથમ બનાવમાં વડોદરાના કોયલી ગામે આવેલા રામજી મંદિર,મોટા વાડા સ્થિત લિમડીવાળા ફળિયામાં રહેતા વિજય કુમાર રાવજીભાઇ ચૌહાણ નામના 22વર્ષીય યુવકે ગત તા.21મી નવેમ્બરના રોજ સાંજે પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર સિલીંગ ફેનના હૂક સાથે કમરના પટ્ટા વડે ફાંસો ખાઇ લેતાં તેનું મોત નિપજ્યું હતું.બનાવને પગલે જવાહરનગર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડી સમગ્ર મામલે આ પગલું ભરવા પાછળની પૂછપરછ તપાસ હાથ ધરી છે.
બીજા એક બનાવમાં શહેરના ગોત્રી રોડ ખાતે ગોત્રી તળાવ નજીક આવેલા ગાયત્રી સ્કૂલ સામેની સોસાયટીમાં રહેતા દિલીપસિંહ ભરતસિંહ પરમાર નામના 47વર્ષીય વ્યક્તિએ ગત તા.22મી નવેમ્બરના રોજ સવારે અંદાજે સવા ચાર થી સવા પાંચ વાગ્યાના અરસામાં ગોત્રી ખાતે આવેલા પાલિકાના બગીચાના ગેટની બાજુમાં આવેલા ગેરી કંપાઉન્ડની દિવાલની બાજુમાં જ આવેલા ગુલમહોરના ઝાડ ઉપરની ડાળખી સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી હતી.ઘટનાની જાણ થતાં ગોત્રી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવા સહિતની તપાસ કાર્યવાહી હાથ ધરી છે.