બાળકે નવી સાયકલની જીદ કરતા મહિલાને લાગી આવતાં એસિડ ગટગટાવી લેતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું
(પ્રતિનિધિ) વડોદરા તા. 31
બે અલગ અલગ બનાવમાં એક મહિલા તથા એક યુવકે એસિડ ગટગટાવી જતાં મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જ્યારે શહેરના એક યુવકે એસિડ પી જતાં સારવાર હેઠળ ભાનમાં હોવાનું જાણવા મળ્યું છે.
બાળકે નવી સાયકલની જીદ કરતા મહિલાને લાગી આવતાં એસિડ પી લીધું
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના બિજલપુર ગામમાં રહેતા દક્ષાબેન રાજુભાઇ ઓડ નામની પરણિતાએ ગત તા. 24મી માર્ચના રોજ પોતાનું બાળક નવી સાયકલ લાવી આપવાની જીદ કરતા માતાને લાગી આવ્યું હતું જેથી તેમણે ઘરમાં રહેલ એસિડ ગટગટાવી લેતાં બેભાન થઈ ગયા હતા જેથી પરિજનો દ્વારા સો પ્રથમ પ્રાથમિક સારવાર માટે ઉમરેઠ ખાતે હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે કરમસદ ખાતે આવેલા ક્રિશ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેઓની તબીયત વધારે લથડતા તેમને રિફર કરી તા.24 માર્ચના રોજ રાત્રે 21:55 કલાકે વડોદરા શહેરના એસ.એસ.જી.હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન ગત તા.30 માર્ચના રોજ બપોરે 15:00કલાકે તેમને મૃત જાહેર કરી મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.ઘરના સભ્યોના જણાવ્યા અનુસાર પરિણીતાના પતિ ખેત મજૂરી કામ કરે છે તેઓની આર્થિક સ્થિતિ વધારે સારી નથી તેઓને ચાર બાળકો છે નાનો દીકરો સાયકલ લાવવા જીદ કરતા મહિલાને લાગી આવ્યું હતું જેમાં આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું.
શહેરના એક યુવક નશો કરીને આવતા પત્નીએ ઠપકો આપતા એસિડ ગટગટાવ્યું
શહેરના ન્યૂ વીઆઇપી રોડ ખાતે આવેલા ખોડિયારનગર વિસ્તારમાં આવેલા વિઠ્ઠલનગર -1ની સામેના મારુતિ નગરમાં પરિવાર સાથે રહેતો નિલેશ દેવાભાઇ દેવીપૂજક નામનો આશરે 32 વર્ષીય પરણિત યુવક ગત તા. 30 માર્ચના રોજ શરાબનો નશો કરીને ઘરે આવતા પત્નીએ ઠપકો આપ્યો હતો જેથી થોડી બોલાચાલી થતાં આવેશમાં આવીને નિલેશ દેવીપૂજકે એસિડ પી લેતાં તેને સારવાર અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર હેઠળ તે ભાનમાં હોવાનું જાણવા મળ્યું છે.પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ યુવક પરિણીત છે અને બે બાળકોનો પિતા છે નશાની હાલતમાં થોડી બોલાચાલી થતાં એક ઘૂંટ એસિડ પી લીધું હતું પરંતુ સારવાર બાદ તેની હાલતમાં સુધારો હોવાથી 01 એપ્રિલે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.