Vadodara

બેફામ કાર ચલાવી રાહદારીને અડફેટે લેનાર ‘હિટ એન્ડ રન’નો આરોપી ગણતરીના કલાકોમાં ઝબ્બે

સીટી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે સયાજીપુરાથી 29 વર્ષીય શખ્સને દબોચી લીધો, ભારતીય ન્યાય સંહિતાની નવી કલમો હેઠળ ગુનો દાખલ

(પ્રતિનિધિ), વડોદરા. તા.19

વડોદરા શહેરના અતિ વ્યસ્ત એવા એમ.જી. રોડ, માંડવી અને પાણીગેટ વિસ્તારમાં ગત રાત્રિએ એક બેફામ બનેલા કાર ચાલકે રાહદારીઓના જીવ અધ્ધર કરી દીધા હતા. પોતાની ફોર-વ્હીલર કારને જાણે રેસિંગ ટ્રેક પર દોડાવતો હોય તેમ ગફલતભરી રીતે હંકારી રહેલા આ શખ્સે એક નિર્દોષ રાહદારીને અડફેટે લઈ ગંભીર ઈજા પહોંચાડી હતી. જોકે, અકસ્માત સર્જીને પલાયન થઈ જનાર 29 વર્ષીય શખ્સને વડોદરા સીટી પોલીસે ગણતરીના કલાકોમાં તેના ઘરના ઉંબરેથી દબોચી લઈ કાયદાનું ભાન કરાવ્યું છે. ઘટનાની વિગતો મુજબ, શહેરના ગીચ વિસ્તાર ગણાતા એમ.જી. રોડ પરથી માંડવી અને પાણીગેટ દરવાજા તરફ એક કાર ચાલક પોતાની ફોર-વ્હીલર અત્યંત જોખમી રીતે હંકારી રહ્યો હતો. ટ્રાફિકથી ભરચક રહેતા આ રસ્તા પર કારની સ્પીડ જોઈને રાહદારીઓમાં ફાળ પડી હતી. આ દરમિયાન માર્ગ પરથી પસાર થઈ રહેલા ફરિયાદીને કારે જોરદાર ટક્કર મારતા તેઓ ફંગોળાયા હતા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ઈજાગ્રસ્તની વહારે આવવાને બદલે આરોપી પોતાની કાર સાથે ફિલ્મી ઢબે નાસી છૂટ્યો હતો. આ બનાવની ગંભીરતાને જોતા ACP જી-ડીવીઝન એમ.પી. ભોજાણી અને સીટી પોલીસ સ્ટેશનના I/C PI કે.ડી. માંગરોલીયાએ તાત્કાલિક સર્વેલન્સ સ્કોડને કામે લગાડી હતી. PSI એસ.સી. પટેલ અને તેમની ટીમે સમગ્ર રૂટના સીસીટીવી ફૂટેજ ખંખેર્યા હતા. ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી પોલીસને સચોટ બાતમી મળી હતી કે અકસ્માત સર્જનાર કાર ચાલક સયાજીપુરા વિસ્તારમાં છુપાયો છે. સીટી પોલીસે સયાજીપુરામાં દરોડો પાડી 29 વર્ષીય ધ્રુવકુમાર હર્ષદભાઈ પટેલને દબોચી લીધો હતો. તેની પૂછપરછમાં અકસ્માતની વાત કબૂલાતા પોલીસે તેની ધરપકડ કરી છે. પોલીસે આ ગુનામાં જૂની ધારાઓને બદલે ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023ની કલમ 281 (બેદરકારીથી વાહન ચલાવવું) અને 125(એ) (અન્યના જીવને જોખમમાં મૂકવો) તેમજ મોટર વ્હીકલ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top