Vadodara

બેફામ કારચાલક મહિલાની ટક્કરથી ટૂ-વ્હીલર ચાલક હવામાં ઊછળ્યો, ભયાનક અકસ્માત CCTV માં કેદ

કારની પૂરપાટ ટક્કર: મકરપુરા રોડ પર અકસ્માતમાં બે યુવક ઘાયલ, કારચાલક મહિલાની ધરપકડ

વડોદરા શહેરના મકરપુરા એરફોર્સ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં પૂરપાટ ઝડપે જતી એક મહિલા કારચાલકે ટૂ-વ્હીલરને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે ટૂ-વ્હીલરનો ચાલક હવામાં ફૂટબોલની જેમ ફંગોળાઈ ગયો હતો. આ અકસ્માતમાં બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે માંજલપુર પોલીસે કારચાલક મહિલાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા યુવકોમાં મકરપુરા વિસ્તારની યશોદા કોલોનીમાં રહેતા દેશરાજ રામા યાદવ (ઉંમર.34) અને રણછોડ નગર, માણેજા રોડના વિરેન્દ્ર ભોલાભાઈ સરોજ (ઉંમર.28)નો સમાવેશ થાય છે. દેશરાજ યાદવ મકરપુરા જીઆઇડીસીમાં કામ કરે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, દેશરાજ યાદવ પોતાના એક્ટિવા પર વિરેન્દ્ર સરોજને લઈને કંપનીનો સામાન આપીને પરત ફરી રહ્યા હતા. પરત ફરતી વખતે, મકરપુરા એરપોર્ટ સ્ટેશનથી માણેજા રોડ તરફ રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારે તેમના ટૂ-વ્હીલરને જોરદાર ટક્કર મારી હતી.

ટક્કરના કારણે દેશરાજ યાદવ હવામાં ઊછળીને દૂર ફંગોળાયા હતા. આ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. અકસ્માત થતાં જ આસપાસના લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. બંને યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઇજાગ્રસ્ત દેશરાજ યાદવે જણાવ્યું કે, “અમે એટીએમમાંથી રૂપિયા ઉપાડીને જઈ રહ્યા હતા ત્યારે કારચાલકે ટક્કર મારી. મને માથા, કમર અને કાનના ભાગે ઈજાઓ થઈ છે. મારા પરિવારમાં બે બાળકો છે અને હું રોજ ₹400 કમાઈને ગુજરાન ચલાવું છું, પરંતુ અકસ્માત કરનાર કારચાલક મદદ કરવા પણ તૈયાર નથી.”
બીજા ઇજાગ્રસ્ત વિરેન્દ્ર સરોજે જણાવ્યું હતું કે, “અમે રોડ ક્રોસ કરી રહ્યા હતા એ વખતે પૂરપાટ ઝડપે કાર આવી અને ટક્કર મારી. હું પાછળ બેઠો હતો, મને માથા, પગ અને કમરના ભાગે ઈજાઓ થઈ છે.”
અકસ્માતની જાણ થતાં જ માંજલપુર પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર અમારી ટીમ સ્થળ પર પહોંચી હતી અને કારચાલક મહિલાની તાત્કાલિક ધરપકડ કરી લેવામાં આવી છે. આ મામલે કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.”

Most Popular

To Top