Sukhsar

બેંક ઓફ બરોડા સુખસર શાખામાં ગ્રાહકો પરેશાન, સામાન્ય કામ માટે પણ દિવસો સુધી ધક્કા

કર્મચારીઓની મનમાનીના આક્ષેપ
(પ્રતિનિધિ) સુખસર, તા.12
બેંક ઓફ બરોડાની સુખસર શાખામાં સામાન્ય બેંકિંગ કામગીરી માટે આવતા ગ્રાહકો છેલ્લા કેટલાક સમયથી ભારે પરેશાની ભોગવી રહ્યા હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે. લેવડ-દેવડ, બંધ પડેલા ખાતા ચાલુ કરાવવા, ફોર્મ મેળવવા કે અન્ય દૈનિક બેંકિંગ કામ માટે ગ્રાહકોને દિવસો સુધી લાઇનમાં ઊભા રાખી દોડાવવામાં આવતાં હોવાની ફરિયાદો ઉઠી છે.

સ્થાનિકો જણાવે છે કે સુખસર તાલુકામાં આ એકમાત્ર બેંક હોવાથી નોકરીયાત, ખેડૂત, ધંધાદારીઓ અને શ્રમિક વર્ગના હજારો ખાતાધારકો આ શાખા પર નિર્ભર છે. છતાં, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના ખેડૂત અને શ્રમિક વર્ગને બેંક કર્મચારીઓ દ્વારા યોગ્ય પ્રતિસાદ ન મળતા તેઓ રોજગારી છોડી બેંકના ધક્કા ખાતા હોવાની સ્થિતિ સર્જાઈ છે. કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાના કારણે કેટલાક વૃદ્ધ ગ્રાહકોને ચક્કર આવવાના બનાવો પણ બની ચૂક્યા હોવાનું જણાવવામાં આવે છે.
ગ્રાહકોનો આક્ષેપ છે કે કેટલાક માલદાર અથવા ઓળખાણ ધરાવતા ખાતાધારકોને નિયમો વગર તરત જ સેવા આપવામાં આવે છે, જ્યારે ગરીબ અને સામાન્ય લોકોને વારંવાર પરત મોકલવામાં આવે છે. લોન બાબતે પણ બહાના બતાવી સામાન્ય લોકોને ટાળવામાં આવે છે, જ્યારે ઓળખાણ ધરાવનારા લોકોને સરળતાથી લોન મળી જતી હોવાની ચર્ચા છે.
વધુમાં, અવાજ ઉઠાવનાર ગ્રાહકોને પોલીસ બોલાવવાની ધમકી આપવામાં આવતી હોવાના તેમજ સિક્યુરિટી ગાર્ડ દ્વારા અયોગ્ય વર્તન થતું હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. કર્મચારીઓ અન્ય રાજ્યોના હોવાથી સ્થાનિક ભાષાની અસમજને કારણે સંવાદમાં પણ મુશ્કેલી સર્જાતી હોવાનું જણાવાયું છે.
ગ્રાહકોની માંગ છે કે ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક દખલ કરે, શાખામાં ગુજરાતી ભાષા જાણતા કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે અને બેંકના નિયમો અનુસાર સૌને સમાન અને ન્યાયસંગત સેવા આપવામાં આવે.

રિપોર્ટર: બાબુભાઈ સોલંકી

Most Popular

To Top