બુટલેગર પરેશ સામે પોલીસે ખોટા કેસ કર્યાના આક્ષેપ
સાવલી પોલીસ મથક બાનમાં લેતા માળી પરિવારે ધમાલ મચાવી
પોલીસે પરેશને ઢોરમાર માર્યાના ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યા
પ્રતિનિધિ. વડોદરા,10
સાવલી ગામના માળી વગામાં પરેશ માળીને દારૂનો ધંધો કરતો હોવાનો આરોપ મૂકીને પોલીસ સાવલી પોલીસ મથકમાં લાવી હતી. ત્યારબાદ યુવકની પત્ની, માતા પિતા અને બેન મળી ચાર વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં શોરબકોર મચાવતા ધસી આવ્યા હતા અને પોલીસ કામગીરી સામે ગંભીર આક્ષેપ કરતા ઉત્તેજના વ્યાપી ગઈ હતી. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે વિદેશી દારૂનો પરેશ પર ખોટો કેસ કરવામાં આવ્યો છે અને પોલીસ સ્ટેશન ની વચ્ચે ઉભા રહીને ખુલ્લેઆમ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી.
સાવલીમાં મેઘદૂત સિનેમા નજીક માળી વગામા ફૂલનો વેપાર કરતાં ફુલમાળી પરિવારના પરેશ જગદીશ માળીને પોલીસ વિદેશી
શરાબના વેપલાના ગુનામાં પકડીને પોલીસ મથકે લાવી હતી. તેની જાણ તેના પરિવારજનોને થઈ હતી. પિતા જગદીશ ભીખા, માતા નીરૂબેન, પત્ની સુશીલાબેન અને સુમિત્રાબેન વિજયભાઈ પોલીસ મથકમાં દોડી આવ્યા હતા અને સમર્થનમાં ચારેય વ્યક્તિએ છોડી મૂકવા માટે દબાણ કર્યું હતું જગદીશભાઈ એવો આક્ષેપ કર્યો હતો કે વિદેશી દારૂનો પરેશ પર ખોટો કેસ કરવામાં આવ્યો છે. જો તેને છોડી મૂકવામાં નહીં આવે તો અમે બધા અહીં આત્મવિલોપન કરીશુ એવી ચીમકી ઉચ્ચારી હતી. પોલીસે સરકારી કામગીરીમાં રૂકાવટ કરી હોવાથી ત્રણ મહિલા સહિત ચાર સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની અંગે સઘન પોલીસ કાર્યવાહી અને તપાસ બાદ વધુ વિગતો બહાર આવશે. બનાવ અંગે આ ફરીયાદ બાબતે કાર્યવાહી કરીને પોલીસે આરોપીઓની તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે પોલીસ કામગીરી સામે આક્રોશ ઠાલવતા પરેશને ઢોરમાર માર્યાના ગંભીર આક્ષેપ કર્યા હતા.