શહેર પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું :
લાલબાગબ્રિજથી વિશ્વામિત્રી ઓવર બ્રિજ થઇ,મુજમહુડા સર્કલ તરફ અવર જવર કરી શકશે નહીં :
( પ્રતિનિધિ ) વડોદરા તા.5
મુંબઈથી અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત પ્રોજેકટની કામગીરી સંદર્ભે તા.6 જૂનથી 16 જૂન સુધી વિશ્વામિત્રી રેલ્વે ઓવરબ્રિજ પરથી પસાર થતા વાહનચાલકો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ અંગે શહેર પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
L&T કંપની તરફથી વડોદરા શહેરમાં નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા મુંબઈથી અમદાવાદ સુધી બુલેટ ટ્રેનના પ્રોજેકટની કામગીરી ચાલુ છે,તેઓ દ્વારા વડોદરા શહેરમાં વિશ્વામિત્રી રેલ્વે ઓવરબ્રિજ ઉપર ગડર લોન્ચીંગ/સેગ્મેટની કામગીરી કરવાની હોઈ, વિશ્વામિત્રી ઓવરબ્રિજ ઉપર અવર-જવર કરતાં વાહનો તેમજ આમ જનતાની સલામતિને ધ્યાને લઈ સદર, વિશ્વામિત્રી રેલ્વે ઓવરબ્રિજની કામગીરી દરમ્યાન ટ્રાફિક ડાયવર્ઝન આપવા જણાવાયું છે. સ્થળ વિઝીટ કરી તપાસ કરતાં, મુંબઈ થી અમદાવાદ સુધી બુલેટ ટ્રેનનો પ્રોજેકટની કામગીરી ચાલુ છે. વિશ્વામિત્રી રેલ્વે ઓવરબ્રિજ ઉપર ગડર લોન્ચીંગ/સેગ્મેટ લોન્ચીંગની કામગીરી કરતી વખતે રેલ્વે ઓવરબ્રિજ ઉપર અવર-જવર કરતાં વાહનને કોઈ આકસ્મિક બનાવ ન બને તથા આમ જનતાની સલામતિને ધ્યાને લઈ, કામગીરી દરમ્યાન જાહેર જનતાને અગવડ ન પડે જે અંગે તકેદારી રૂપે તા.૦૬/૦૬/૨૦૨૪ રાત્રીના કલાક ૦૧:૦૦ વાગ્યા થી તા.૧૬/૦૬/૨૦૨૪ ના કલાક ૨૩:૦૦ સુધી અથવા સદર કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી વિશ્વામિત્રી રેલ્વે ઓવરબ્રિજ ઉપરથી અવર-જવર કરતાં તમામ પ્રકારના વાહનો માટે રેલ્વે વિશ્વામિત્રી ઓવરબ્રિજ બંધ કરવાની જરૂરીયાત ઉભી થઈ છે.ત્યારે કામગીરી દરમ્યાન જાહેર જનતાને અગવડ ન પડે અને ટ્રાફિક સુચારૂ રીતે ચાલે તે હેતુથી વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અંગેનું જાહેરનામુ બહાર પાડવાની જરૂર હોવાથી પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ (સને ૧૯૫૧ ના રરમાં)ની કલમ ૩૩ (૧) બી.થી મળેલ સત્તાની રૂએ તા.૦૬/૦૬/૨૦૨૪ થી તા.૧૬/૦૬/૨૦૨૪ સુધી અથવા સદર કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી વિશ્વામિત્રી બ્રીજ તરફ જતાં તમામ પ્રકારના વાહનો માટે વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અંગ જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.જેમાં લાલબાગબ્રિજથી વિશ્વામિત્રી ઓવર બ્રિજ થઇ,મુજમહુડા સર્કલ તરફ અવર જવર કરી શકશે નહીં. જ્યારે લાલબાગબ્રિજથી રાજમહેલગેટ, મહારાણી નર્સિંગહોમ ચાર રસ્તાથી ડાબી બાજુ વળી, અકોટા-દાંડીયા બ્રિજ,અકોટા બ્રિજ ચાર રસ્તા થી ડાબી બાજુ વળી, મુજમહુડા સર્કલ સર્કલ, અક્ષરચોક સર્કલ,કલાલી બ્રિજ ઉપર, ખિસકોલી સર્કલ, વડસર બ્રિજ,જયુપીટર ચાર રસ્તાથી ડાબી બાજુ વળી ,તુલસીધામ ચાર રસ્તા,શ્રેયસ સ્કુલ ત્રણ રસ્તા, લાલબાગ બ્રિજ ફરતે અવર જવર કરી શકાશે.બીજી તરફ અવધૂત ફાટકથી વિશ્વામિત્રી ઓવર બ્રિજ તરફ જઈ શકાશે નહી.જ્યારે અવધૂત ફાટકથી પ્રવેશ કરી, માંજલપુર મુકિતધામ ચાર રસ્તાથી જમણી બાજુ વળી, સનસીટી સર્કલથી ડાબી બાજુ વળી, દરબાર ચોકડી થઇ જે તે તરફ જઇ શકાશે.