લાભ પાંચમ સાથે વેપારીઓએ વેપાર ધંધાની શરૂઆત કરી-વિદ્યા પ્રાપ્તિનું શ્રેષ્ઠ મુહૂર્ત જાળવ્યું
લોકોએ પણ બજારોમાં વિવિધ ચીજવસ્તુઓ ની ખરીદી કરી
(પ્રતિનિધિ) વડોદરા તા. 06
દિવાળી મહાપર્વના મિનિ વેકેશન બાદ બુધવારે લાભપાંચમ પર્વ સાથે જ શહેરમાં રોજગાર ધંધા,ઓફિસો પુનઃ ધમધમી ઉઠ્યા છે. વેપારીઓ તથા વ્યવસાયિકો દ્વારા લાભપંચમી સાથે જ્ઞાનપંચમી નિમિત્તે શુભ મુહૂર્તમા પૂજન કર્યું હતું.લાભ પાંચમના શુભ દિવસે ધંધા-વેપારનાં સ્થળોએ પૂજાનાં કાર્યક્રમ વેપારીઓ અને તેમના પરિવારજનો અને કર્મચારીઓ સાથે કર્યા હતા.
લાભ પાંચમનો દિવસ વેપાર-ધંધાની શરૂઆત માટે શુભ માનવામાં આવે છે. ત્યારે બુધવારે વડોદરા વેપાર વિકાસ એસોસિએશના પ્રમુખ પરેશ પરીખ દ્વારા તેમના વેપારનાં સ્થાને પૂજા-અચર્ના કરી પોતાના વેપાર-ધંધા-રોજગારની શરૂઆત કરી અને સમગ્ર વડોદરા શહેરના વેપારીઓ ને લાભ પાંચમ અને જ્ઞાન પંચમીની શુભકામનાઓ પાઠવી હતી.
શહેરના મુખ્ય વેપારના હાર્દ સમા માંડવી, લહેરીપુરા, નવાબજાર, રાવપુરા, દાંડિયાબજાર,રાજમહેલરોડ સહિતના વિવિધ વિસ્તારોમાં વેપારીઓ દ્વારા પોતાના વેપાર સ્થળોએ તથા ઓફિસોમા વિધિવત પૂજા કરી હતી અને ધંધાની શરૂઆત કરી હતી.બુધવારથી શહેરના બજારો ઓફિસોમા ધમધમાટ જોવા મળ્યો હતો.રાબેતામુજબ દુકાનો ઓફિસો ખુલતાં લોકોએ દુકાનોમાંથી વિવિધ ચીજવસ્તુઓ ની ખરીદી કરી હતી.