ટાયર નીચે વાલ્વ, પાછળની લાઇટમાં ઢાંકણ ફિટ કરી ગોવાથી લવાયેલો રૂ.3.91 લાખનો દારૂ અને કાર સહિત રૂ.9.17 લાખનો મુદ્દામાલ કબજે
વડોદરા, તા. 6
વડોદરામાં વિદેશી દારૂની હેરાફેરી કરનાર બુટલેગરો નવી-નવી તરકીબો અજમાવી રહ્યા છે. તાજેતરમાં પીસીબી પોલીસે એક બુટલેગરને પકડી પાડી કારમાં ખાસ બનાવેલી ત્રણ ગુપ્ત ટાંકીઓમાં 245 લિટર વિદેશી દારૂ ભરી લાવવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. દારૂ કાઢવા માટેના વાલ્વ પણ ટાયર નીચે છુપાવવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, દંતેશ્વર વિસ્તારની ચિત્રાનગર સોસાયટીમાં રહેતો અમિત મણીલાલ સોલંકી ગોવામાંથી વિદેશી દારૂ ખરીદી કારમાં બનાવેલી ટાંકીઓમાં ભરી વાયા તરસાલી વડોદરા તરફ આવી રહ્યો હતો. પીસીબી પોલીસ તરસાલી શાક માર્કેટ પાસે પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી, જેના આધારે વોચ ગોઠવી બુટલેગરને કાર સહિત ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસે તપાસ કરતાં કારની પાછળની લાઇટ, શીટની પાછળ અને અન્ય ગુપ્ત જગ્યાઓમાં ફિટ કરેલી ત્રણ ટાંકીઓમાંથી 245 લિટર છૂટો દારૂ મળી આવ્યો હતો. દારૂ કાઢવા માટેનો વાલ્વ પાછળના ટાયર ઉપરના ગાર્ડમાં છુપાવેલો હતો. તપાસમાં બહાર આવ્યું કે આ ટાંકીઓ રાજસ્થાન ખાતે ખાસ બનાવડાવવામાં આવી હતી.
પીસીબી પોલીસે આરોપી પાસેથી
વિદેશી દારૂની બોટલ નંગ–5 (રૂ.24,000)
છૂટો વિદેશી દારૂ 245 લિટર (રૂ.3.67 લાખ)
એક ફોર વ્હીલર કાર (રૂ.5 લાખ)
રોકડા રૂ.16,000
બે મોબાઇલ ફોન (રૂ.10,000)
મળી કુલ રૂ.9.17 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સમગ્ર મુદ્દામાલ અને આરોપીને આગળની કાર્યવાહી માટે કપુરાઈ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે બુટલેગર ગોવામાં અલગ-અલગ બારમાંથી દારૂ ખરીદી વડોદરા લાવી છૂટક વેચાણ કરતો હતો. પોલીસે આ નેટવર્ક અંગે વધુ તપાસ શરૂ કરી છે.