વસંત સંપાત નિમિત્તે મહિલા સમાનતા અને આધ્યાત્મિક સશક્તિકરણનો સંદેશ
બે હજારથી વધુ મહિલાઓની ઉપસ્થિતિમાં ભક્તિ, સંસ્કાર અને પ્રેરણાનો અનોખો સમાગમ
વડોદરા:
બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બી.એ.પી.એસ.)ના અટલાદરા સ્થિત સ્વામિનારાયણ મંદિરે મહિલા પ્રવૃત્તિ દ્વારા વસંત સંપાતના પાવન દિવસે ધામધૂમ પૂર્વક મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

વસંત સંપાત તેવો દિવસ છે જ્યારે દિવસ અને રાત સમાન હોય છે, તે જ રીતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ રચિત સત્સંગ દીક્ષા ગ્રંથમાં દર્શાવ્યા મુજબ સ્ત્રી અને પુરુષ બંને સમાન છે અને બંને ભક્તિ તથા મોક્ષના અધિકારી છે — આ સંદેશને કાર્યક્રમ દ્વારા જીવંત બનાવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં વાજિંત્રો સાથે કીર્તન ભક્તિ, સંસ્કૃત ગ્રંથોના મુખપાઠ, પ્રેરણાદાયી સંવાદ અને વક્તવ્યો જેવી વિવિધ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. બાલિકાઓથી લઈને વૃદ્ધાઓ સુધીની મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને સેવા, સમજણ અને સમર્પણની ત્રિવેણીમાં ઉપસ્થિત મહિલાઓને પ્રેરિત કરી હતી.

આ કાર્યક્રમમાં શહેરની ઉચ્ચ મહિલા સનદી અધિકારીઓએ પણ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી અને પોતાના જીવનપ્રેરક અનુભવો રજૂ કરીને મહિલાઓને સશક્ત બનવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમમાં બે હજારથી વધુ મહિલાઓની ઉપસ્થિતિ નોંધાઈ હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિ અને ઉત્સાહથી ઓતપ્રોત બની ગયું હતું.