૧૨૦૦થી વધુ વિદ્યાર્થીઓએ સ્ટેજ પર ભારતની વિવિધતા અને એકતાના દર્શન કરાવ્યા



વડોદરા: શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા બી.આર.જી. ગ્રુપ ઓફ સ્કૂલ્સ ગુજરાત પબ્લિક સ્કૂલ (અટલાદરા, છાણી અને વાઘોડિયા) તેમજ ઊર્મિ સ્કૂલ દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક મહોત્સવ ‘BRG ઉત્સવ ૨૦૨૬’નું સન ફાર્મા રોડ સ્થિત વી.વી.એન. ગ્રાઉન્ડ ખાતે અત્યંત ઉત્સાહપૂર્ણ માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે મહોત્સવની થીમમાં વિદ્યાર્થીઓએ પોતાની અદભૂત કલા દ્વારા ભારતની સંસ્કૃતિને જીવંત કરી હતી. વડોદરા શહેર ભાજપા પ્રમુખ ડો.જયપ્રકાશ સોની, વડોદરા પોલીસ કમિશનર નરસિંમ્હા કોમાર સાથે બી.આર.જી ગ્રુપ ના ચેરપર્સન લતાબેન ગુપ્તા, સી.એમ.ડી સરગમ ગુપ્તા, ડિરેક્ટર સ્વેતા ગુપ્તા, ઊર્મિ સ્કૂલ ના મેનેજીંગ ડિરેક્ટર રાધિકા નાયર, ગુજરાત પબ્લિક સ્કૂલ અટલાદરા ના ડિરેક્ટર અભિલાષા અગ્રવાલ, ગુજરાત પબ્લિક સ્કૂલ, છાણી અને વાઘોડિયાના ડિરેક્ટર અપેક્ષા પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.


ભારતની ચારેય દિશાઓના સાંસ્કૃતિક દર્શન આ મહોત્સવમાં ગુજરાત પબ્લિક સ્કૂલ તેમજ ઊર્મિ સ્કૂલના ધોરણ ૬ થી ૧૧ ના આશરે ૧૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ કરાવ્યા હતા. થીમ આધારિત પ્રસ્તુતિઓમાં વિદ્યાર્થીઓએ ભારતના પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ ભાગના લોકનૃત્યો, પરંપરાઓ અને ઐતિહાસિક વારસાને સ્ટેજ પર રજૂ કર્યા હતા. ઉત્તર ભારત માં કાશ્મીરી રાઉફ અને પંજાબના જોમવંતા ભાંગડાએ પ્રેક્ષકોમાં ઉત્સાહ ભરી દીધો હતો. દક્ષિણ ભારતમાં ક્લાસિકલ ભરતનાટ્યમ અને દક્ષિણ ભારતના તહેવારોની ભવ્ય પ્રસ્તુતિ કરવામાં આવી હતી. પૂર્વ ભારતમાં આસામના બિહૂ અને બંગાળની સંસ્કૃતિને નૃત્ય દ્વારા જીવંત કરવામાં આવી હતી. પશ્ચિમ ભારતમાં રાજસ્થાની ઘૂમર અને ગુજરાતના ગરબાની રમઝટે સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.ભાંગડાની રવાનીથી લઈને દક્ષિણ ભારતના ક્લાસિકલ નૃત્યો અને પૂર્વ ભારતના લોકગીતોએ ઉપસ્થિત મેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી.
બી.આર.જી ઉત્સવ માં મૂલ્ય આધારિત શિક્ષણ અને કૌશલ્યનું પ્રદર્શન ઉત્કૃષ્ટ રીતે દર્શાવામાં આવ્યું હતું. બી.આર.જી ગ્રુપના ફાઉન્ડર ચેરમેન સ્વ. શ્રી બકુલેશભાઈ ગુપ્તાના સંસ્કારોને આગળ ધપાવતા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનો હતો. મહોત્સવ દરમિયાન માત્ર શિક્ષણ જ નહિ પણ સાંસ્કૃતિક અને રમતગમત ક્ષેત્રે વિશેષ સિદ્ધિ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
બી.આર.જી. ગ્રુપના મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, “આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં સ્ટેજ ફિયર દૂર કરી તેમનો આત્મવિશ્વાસ વધારવાનો અને તેમને ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસાથી પરિચિત કરવાનો છે. વિદ્યાર્થીઓએ કરેલી મહેનત અને ટીમવર્ક આજે સ્ટેજ પર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.”
આ ભવ્ય સાંસ્કૃતિક સંધ્યામાં મોટી સંખ્યામાં વાલીઓ, શિક્ષણવિદો અને શહેરના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓની પ્રતિભાને બિરદાવી હતી.