Vadodara

બીસીએ પ્રમુખ પ્રણવ અમીને કહ્યું: “રાધા યાદવ ક્રિકેટર બનવા માંગતી દરેક યુવતી માટે પ્રેરણાસ્ત્રોત છે”

વડોદરા, તા. ૧૩: વિશ્વ વિજેતા ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર સ્પિનર રાધા યાદવે આજે એલેમ્બિક ગ્રાઉન્ડ ખાતે બરોડા ક્રિકેટ એસોસિએશન (બીસીએ)ના પ્રમુખ પ્રણવ અમીનની મુલાકાત લીધી હતી. આ મુલાકાતને વડોદરામાં મહિલા ક્રિકેટના વિકાસ માટે એક મહત્વપૂર્ણ ક્ષણ ગણીને જોવામાં આવી રહી છે.

મુલાકાત દરમિયાન પ્રણવ અમીને રાધા યાદવની સિદ્ધિઓની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, “રાધા યાદવ આજે એ તમામ યુવતીઓ માટે જીવંત પ્રેરણા છે જેઓ ક્રિકેટમાં કરિયર બનાવવા માગે છે. ભારતીય મહિલા ટીમના વર્લ્ડ કપ વિજયથી દેશભરની છોકરીઓમાં નવો ઉત્સાહ અને આત્મવિશ્વાસ જાગ્યો છે અને રાધા તેનું સૌથી સુંદર ઉદાહરણ છે.”

તેમણે વધુમાં ખાસ ભાર મૂકતાં કહ્યું, “કોઈ પણ ટેલેન્ટેડ યુવતી કે દીકરીને ક્રિકેટમાં આગળ વધવા માટે જો સપોર્ટની જરૂર હોય તો બીસીએ અને હું વ્યક્તિગત રીતે હંમેશા તેમની પડખે ઊભા રહીશું.”

રાધા યાદવે પણ આ મુલાકાતમાં પોતાની શરૂઆતના દિવસોની યાદોને તાજી કરી હતી. તેણે કહ્યું, “મારી ક્રિકેટ યાત્રા એલેમ્બિક ગ્રાઉન્ડથી જ શરૂ થઈ હતી. પિતાજી મને મુંબઈથી વડોદરા લાવ્યા અને અહીં મને પ્રથમ તક મળી. કોચ ગીતા ગાયકવાડ મેડમ અને એલેમ્બિકના તમામ સ્ટાફે મને એટલો સપોર્ટ અને પ્રોત્સાહન આપ્યું કે આજે હું આંતરરાષ્ટ્રીય સ્તરે રમી રહી છું. વડોદરામાં એલેમ્બિક ગ્રાઉન્ડ મારા માટે સૌથી સુરક્ષિત અને સપોર્ટિવ જગ્યા રહ્યું છે.”

મુલાકાત દરમિયાન બીસીએ દ્વારા વડોદરામાં મહિલા ક્રિકેટને વધુ મજબૂત બનાવવા આગામી દિવસોમાં ખાસ કાર્યક્રમો અને યોજનાઓ અમલમાં મૂકવાની પણ ચર્ચા કરવામાં આવી હતી. આ મુલાકાતથી વડોદરાની અનેક નવી પેઢીની યુવતી ખેલાડીઓમાં નવો જોશ ભરાયો છે અને રાધા યાદવ જેવી સફળતાની વાર્તા હવે વધુ નજીકથી દેખાઈ રહી છે.

Most Popular

To Top