રોયલ અને રિવાઈવલ જૂથ તરફથી પ્રમુખ પદ માટે કોણ ઉમેદવારી કરશે, તે અંગે ચર્ચા શરૂ :
( પ્રતિનિધિ )વડોદરા,તા.17
માલેતુજારો અને રસુકદારોની મંડળી કહેવાતી બરોડા ક્રિકેટ એસોસિએશનની 15 મી ફેબ્રુઆરીએ પ્રભુત્વ માટેની ચૂંટણી યોજાશે. તે પૂર્વે શનિવારે સત્યમેવ જયતે જૂથના અગ્રણી ડોક્ટર દર્શન બેંકરે પ્રમુખ પદ માટે ફોર્મ ભર્યું હતું. બીજી તરફ અમીન પરિવાર કોને મેદાનમાં ઉતારે છે, તેની પર સૌ કોઈની નજર છે. હજી સુધી રોયલ જૂથે પત્તા ખોલ્યા નથી.

બરોડા ક્રિકેટ એસોસિએશનમાં પ્રભુત્વ માટેની ચૂંટણી યોજાવાની છે. જેના ફોર્મ ભરવાના પ્રથમ દિવસે ડોક્ટર દર્શન બેન્કર એમના ટેકેદારો સાથે બીસીએ હાઉસ ખાતે પહોંચ્યા હતા, સાથે ભૂતકાળમાં રોયલ ગ્રુપ તરફથી પ્રમુખની ચૂંટણી લડનારા જતીન વકીલ સાથે અન્ય ટેકેદારો જોડાયા હતા.

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીને લઈને હવે માહોલ ગરમાઇ ગયો છે. બીસીએના સભ્યોએ 31 હોદ્દાની ચૂંટણી માટે 650 થી વધુ ફોર્મ લીધા હતા. શનિવાર અને સોમવારે ઉમેદવારી ફોર્મ બીસીએ ઓફિસ ખાતે જમા કરાવી શકાશે. જ્યારે 20 મી તારીખે ફોર્મ ની સ્ક્રુટિની કરાશે. ત્યારે પ્રથમ દિવસે શનિવારે પ્રમુખ પદ માટે સત્યમેવ જયતે ગ્રુપના આગેવાન ડોક્ટર દર્શન બેન્કરે ટેકેદારો સાથે ફોર્મ ભર્યું હતું. બીજી તરફ બીસીએ ના હાલના પ્રમુખ પ્રણવ અમીન અને મહારાજા સમરજિતસિંહ ગાયકવાડના ગ્રુપ તરફથી પ્રમુખ પદ માટે કોણ ઉમેદવારી કરે છે તે અંગે ચર્ચા શરૂ થઈ છે. બંને ગ્રુપના સૌથી નજીકની વ્યક્તિને પ્રમુખ પદ માટે ઊભા કરાશે તેમ જાણવા મળ્યું હતું.