Business

બીસીએ ચૂંટણી વિવાદ હાઈકોર્ટમાં, ચાર ઉમેદવારોની અપીલ પર સુનાવણી લાઈવ સ્ટ્રીમિંગથી થઈ

સિંગલ જજના 9 વર્ષના કાર્યકાળના નિયમ આધારે અયોગ્ય ઠરાવવાના આદેશ સામે ડિવિઝન બેન્ચમાં પડકાર
હાઈકોર્ટએ આગામી સુનાવણી માટે 7 એપ્રિલની તારીખ નક્કી કરી, ચૂંટણી પ્રક્રિયા પર નજર

વડોદરા, તા.24 (પ્રતિનિધિ)
ગુજરાત હાઈકોર્ટમાં બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA)ની ચૂંટણી વિવાદ સંબંધિત મહત્વપૂર્ણ અપીલો પર આજે લાઈવ સ્ટ્રીમિંગ દ્વારા સુનાવણી હાથ ધરાઈ હતી. ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રેની ડિવિઝન બેન્ચ સમક્ષ કિરણ મોરે સહિત ચાર ઉમેદવારો—અમુલ જીકાર, અનંત ઇન્દુલકર અને અમર પેટીવાલાની અપીલોની વિગતવાર સુનાવણી કરવામાં આવી હતી. કોર્ટે હવે આ મામલાની આગામી સુનાવણી 7 એપ્રિલના રોજ નક્કી કરી છે.
ઉલ્લેખનીય છે કે સિંગલ જજ જસ્ટિસ નિરલ મહેતાએ 16 માર્ચના આદેશમાં 9 વર્ષના કાર્યકાળના નિયમના આધારે આ ચારેય ઉમેદવારોને અયોગ્ય જાહેર કર્યા હતા. આ નિર્ણયને પડકારતા ઉમેદવારોએ ડિવિઝન બેન્ચમાં અપીલ દાખલ કરી હતી, જેના અનુસંધાનમાં આજે વિસ્તૃત દલીલો રજૂ થઈ હતી.
આ સુનાવણીના પરિણામો બીસીએની ચૂંટણી પ્રક્રિયા પર મહત્વપૂર્ણ અસર કરી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગામી 7 એપ્રિલની સુનાવણી પર હવે ક્રિકેટ વર્તુળો અને સંકળાયેલા ઉમેદવારોની નજર ટકેલી છે.

Most Popular

To Top