લાંબી દલીલો બાદ કોર્ટનો સમય પૂર્ણ, બુધવારે નિર્ણાયક સુનાવણી
(પ્રતિનિધિ) વડોદરા, તા.17
બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA)ની રસાકસીભરી ચૂંટણી પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર થવા પર ફરી એકવાર બ્રેક લાગી છે. મંગળવારે ગુજરાત હાઈકોર્ટમાં બીસીએ તરફથી જસ્ટિસ નિરલ મહેતા સમક્ષ લાંબી અને વિગતવાર દલીલો કરવામાં આવી હતી. દલીલો લાંબી ચાલતા કોર્ટનો સમય પૂર્ણ થયો હોવાથી ચૂંટણી પરિણામ અંગેનો નિર્ણય હાલ મુલતવી રાખવામાં આવ્યો છે, જેથી સસ્પેન્સ યથાવત રહ્યો છે.
હાઈકોર્ટમાં યોજાયેલી સુનાવણી દરમિયાન સત્તાધારી અને વિરોધી બંને પેનલોના વકીલો દ્વારા ચૂંટણી પ્રક્રિયા, મતદાન અને મતોની ગણતરીને લઈને ઉઠેલા વિવાદો પર તીવ્ર દલીલો રજૂ કરવામાં આવી હતી. બંને પક્ષો વચ્ચે ભારે રકઝક જોવા મળી, જેના કારણે કોર્ટમાં વાતાવરણ તણાવભર્યું રહ્યું.
ચૂંટણી પરિણામ જાહેર કરવા અંગે હાલ રોક જેવી સ્થિતિ સર્જાઈ છે. જસ્ટિસે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ મામલાની વધુ સુનાવણી આજે બુધવારે રાખી છે. બીસીએની કમાન કોના હાથમાં જશે અને સત્તાનો તાજ કોના મસ્તક પર સજશે, તે બાબતે મતદાન કરનારા સભ્યો, બંને પેનલોના ઉમેદવારો અને ક્રિકેટપ્રેમીઓની નજર હવે હાઈકોર્ટના આજના નિર્ણાયક ચુકાદા પર મંડાઈ છે.