મંગળવારે કોર્ટમાં સુનાવણી બાદ બીસીએનું એક જૂથ મતગણતરી કરવા રજૂઆત કરશે
ચૂંટણીમાં ભાગ લેનારા મોટાભાગના ઉમેદવારોની હવે મતગણતરી વહેલી તકે કરવામાં આવે તેવી માંગ
( પ્રતિનિધિ )વડોદરા,તા.21
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીની મતગણતરી હોલની પસંદગી થયા બાદ આગામી છ દિવસ બાદ તારીખ 27 થી 29 મી માર્ચ વચ્ચે કોઈપણ દિવસ દરમિયાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો કે એક જૂથના સભ્યે આ મામલે મત ગણતરી થાય તે માટે રજૂઆત કરવાના છે. આ અંગે નિષ્ણાંતોની સાથે ચર્ચા પરામર્શ બાદ કહેશે તે મુજબની કાર્યવાહી કરવામાં આવશે. જોકે, ચૂંટણી અધિકારી મત ગણતરીની તારીખ જાહેર કરી દેશે તો પછી રજૂઆત કરવાનું ટાળીશું.
બરોડા ક્રિકેટ એસોસિએશનના ચાર ઉમેદવારોને વડી અદાલતે ગેર લાયક ઠેરવવાનો નિર્ણય કરતા ભારે હલચલ મચી ગઈ હતી. જો કે, જે બાદ બીસીએ ના સીઈઓ અને ખજાનચી અમદાવાદ પહોંચ્યા હતા અને બાદમાં બીજા દિવસે ચૂંટણી અધિકારી સાથે સહાયક ચૂંટણી અધિકારી પણ કાયદાના નિષ્ણાંતોની મુલાકાત લીધી હતી. જ્યાં બીસીએના ચૂંટણી અધિકારીઓએ ચુકાદાની વિસ્તૃત સ્પષ્ટ લેખિત સમજ આપવા માટે અનુરોધ પણ કર્યો હતો અને ત્યારબાદ લેખિત સુચના મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવા માટે બીસીએના ચૂંટણી અધિકારીઓએ નિર્ણય કર્યો હતો. બીજી તરફ ચૂંટણીમાં ભાગ લેનારા મોટાભાગના ઉમેદવારો હવે મતગણતરી વહેલી તકે કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. કેટલાક ઉમેદવારોનું માનવું છે કે, પરિણામ જાહેર થવાથી જ તમામ અનિશ્ચિતતા દૂર થશે અને એસોસિએશનમાં સ્થિરતા આવશે. જ્યારે એક જૂથના ઉમેદવારો દ્વારા જણાવાયું છે કે, જો જરૂરી હોય તો તેઓ કાયદાકીય માર્ગ પણ અપનાવવા માટે તૈયાર છે. બીસીએ ના રોયલ સત્યમેવ જૂથના સૂત્રોએ કહ્યું હતું કે, ચૂંટણી બાદ હવે મત ગણતરી થાય તે માટે રજૂઆત કરવાના છે. આ અંગે નિષ્ણાંતોની સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. કાનૂની નિષ્ણાંતો કહેશે તે મુજબની કાર્યવાહી કરવામાં આવશે. જો કે ચૂંટણી અધિકારી મત ગણતરીની તારીખ જાહેર કરી દેશે તો પછી અમે રજૂઆત કરવાનું ટાળીશુ. ડો.બેન્કરે જણાવ્યું હતું કે, કાઉન્ટિંગ તો કરવું જ પડશે પરંતુ એક ચોક્કસ તારીખ આપવામાં આવી નથી. મંગળવારે કોર્ટમાં હીયરિંગ છે. જો પછી લાગશે એવું તો અમે રજૂઆત કરીશું કે મત ગણતરી હવે કરાવી દો.