“અમારું ઘર શિશાનું છે, અમે ટ્રાન્સપરન્ટ છીએ” — રોયલ જૂથના પ્રમુખ પદના ઉમેદવારનો દાવો
બડોદરા ક્રિકેટ એસોસિએશન (BCA)ની આવનારી ચૂંટણીને પગલે રોયલ-સત્યમેવ જયતે જૂથ દ્વારા મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જૂથના નેતાઓએ વર્તમાન વહીવટ અને સ્ટેડિયમ સંચાલન અંગે ગંભીર આક્ષેપો કર્યા અને પારદર્શક વહીવટ આપવાનો દાવો કર્યો.
રોયલ જૂથના પ્રમુખ પદના ઉમેદવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “અમારું ઘર શિશાનું છે, અમે સંપૂર્ણ રીતે ટ્રાન્સપરન્ટ છીએ. જે પણ કાર્ય કરીશું તે ખુલ્લેઆમ અને નિયમોના આધારે કરીશું. જેને પથ્થર મારવા હોય તે મારી શકે છે, પરંતુ અમે ગેરરીતિ સામે લડતા રહીશું.”
સ્ટેડિયમમાં ગેરરીતિના આક્ષેપ
બેઠક દરમિયાન સ્ટેડિયમ અને એસોસિએશનના વહીવટમાં અનેક ગેરરીતિ ચાલી રહી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા. જૂથના સભ્યોનું કહેવું છે કે કેટલાક નિર્ણયો પારદર્શિતાના અભાવમાં લેવાઈ રહ્યા છે, જેના કારણે ખેલાડીઓ અને ક્લબોને ન્યાય મળતો નથી.
“એકેડમી સંચાલક જ સિલેક્ટર હોય તો ન્યાય કેવી રીતે?”
જૂથ દ્વારા ખાસ કરીને એક મુદ્દો ઉઠાવવામાં આવ્યો કે જો એકેડમીનો સંચાલક જ સિલેક્ટર તરીકે કાર્ય કરે, તો પસંદગી પ્રક્રિયામાં નિષ્પક્ષતા કેવી રીતે જળવાઈ શકે? આ પરિસ્થિતિથી યુવા ખેલાડીઓમાં અસંતોષ ફેલાઈ રહ્યો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો.
રોયલ-સત્યમેવ જયતે જૂથએ વચન આપ્યું કે ચૂંટણી જીત્યા બાદ પારદર્શિતા, જવાબદારી અને ખેલાડીઓના હિતને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે. બેઠકમાં ઉપસ્થિત સભ્યોએ સંગઠિત રીતે ચૂંટણી લડવાની અને પરિવર્તન લાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
ચૂંટણી પૂર્વે બીસીએની રાજકીય હલચલ તેજ બનતા આવનારા દિવસોમાં વધુ ગરમાવો વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.