પાણી માટે પ્રેક્ષકોએ વલખા મારવા પડ્યા, 200 રૂપિયામાં પાણીની બોટલ અને 50 રૂપિયામાં 100 એમ એલ કેમ્પાકોલા – બીસીએ મેનેજમેન્ટ સામે ઉગ્ર બળાપો
વડોદરા: વડોદરાના બીસીએ સંચાલિત સ્ટેડિયમમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ દરમિયાન પ્રથમ ઇનિંગ પૂર્ણ થયા બાદ પીવાના પાણીનો ગંભીર અભાવ સર્જાતા પ્રેક્ષકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ક્રિકેટ જોવા આવેલા હજારો પ્રેક્ષકો માટે પાણી જેવી મૂળભૂત સુવિધા ન હોવાને કારણે સ્ટેડિયમમાં અફરાતફરી અને રોષનો માહોલ જોવા મળ્યો હતો.
મેચ જોવા આવેલા એક પ્રેક્ષકે વીડિયો બનાવી બીસીએના મેનેજમેન્ટ સામે ખુલ્લેઆમ બળાપો કાઢ્યો હતો. પ્રેક્ષકનું કહેવું હતું કે, “આખા સ્ટેડિયમમાં પાણી જ નથી. જે પાણી મળે છે તે પણ 200 રૂપિયામાં એક બોટલના ભાવે વેચાઈ રહ્યું છે. પાણીના નામે લોકોની ખુલ્લેઆમ લૂંટ ચાલી રહી છે.” વધુમાં તેણે કહ્યું કે, “પાણીની જગ્યાએ રિલાયન્સની કેમ્પાકોલા 50 રૂપિયામાં માત્ર 100 એમએલ પીવડાવવામાં આવી રહી છે. આ શું વ્યવસ્થા છે?”
પ્રેક્ષકોનું કહેવું છે કે ગરમી અને ભીડ વચ્ચે પાણી ન મળવું એ ગંભીર બેદરકારી છે. “બધું જ ખરાબમાં ખરાબ વ્યવસ્થામાં છે. અમદાવાદનું સ્ટેડિયમ સારું લાગે છે, ત્યાં ઓછામાં ઓછું 100 રૂપિયામાં એક પાણીની બોટલ તો મળી જાય છે,” એવો કટાક્ષ પણ પ્રેક્ષકે કર્યો હતો.
આ ઘટના બાદ બીસીએના આયોજન અને મેનેજમેન્ટ પર સવાલો ઊભા થયા છે. કરોડોની કમાણી કરતી મેચમાં પ્રેક્ષકોને પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધા ન પૂરી પાડવી એ બીસીએની બેદરકારી અને પ્રેક્ષકો પ્રત્યેની અવગણના હોવાનું લોકો કહી રહ્યા છે.